વલસાડ : વલસાડના (Valsad) આદિવાસી વિસ્તાર ગણાતા કપરાડામાં અનેક પુરુષોને (Men) એકથી વધુ પત્ની (Wife) હોવાની વાત સામાન્ય છે. અનેક કિસ્સામાં એક જ ઘરમાં બે પત્નીઓ હળી મળીને પણ રહેતી હોવાના કિસ્સા જોવા મળી શકશે, પરંતુ એક સાથે બે મહિલા (Women) સાથે લગ્ન (Marriage) કરવાની ઘટના જ્વલ્લે જ જોવા મળતી હોય છે. આવી જ એક ઘટના આગામી 9 મી મેના રોજ બનવા જઇ રહી છે. એક યુવક બે મહિલા સાથે એક જ લગ્ન મંડપમાં લગ્નના મંગળફેરા ફરશે.
વાત છે, વલસાડના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામની. અહીં રહેતો અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલો પ્રકાશ હરજીભાઇ ગાંવિત નાનાપોંઢા ગામના મંગળભાઇની પુત્રી અને મોટી વહિયાળ ગામના રમેશભાઇની પુત્રી મળી બે કન્યા સાથે લગ્ન કરી બંનેને એક જ મંડપમાં મંગળસૂત્ર પહેરાવશે. જેના માટે તેણે કંકોત્રી પણ છપાવી છે અને આ કંકોત્રીમાં એક વર અને બે વધુના નામ હોય સોશ્યલ મિડિયામાં તે વાઇરલ થઇ છે. ત્યારે આ અંગે આદિવાસી પંથક સાથે શહેરી વિસ્તારમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.
બંને મહિલા વરની સાથે વર્ષોથી રહે છે અને ચાર સંતાન પણ છે
આ સંદર્ભે વર પ્રકાશભાઇના એક સગાએ જણાવ્યું કે, આ બંને મહિલાઓ પ્રકાશ સાથે વર્ષોથી રહે છે. બંને થકી પ્રકાશને કુલ ચાર સંતાન પણ છે. બંને લગ્ન વિના રહેતી હોય હવે પ્રકાશ બંનેની સાથે એક મંડપમાં લગ્ન કરવા જઇ રહ્યો છે. એક સાથે બે પત્ની રાખવી સામાન્ય છે, પરંતુ બંને સાથે એક સાથે લગ્ન કરવાની ઘટના થોડી આશ્ચર્યજનક છે.