વલસાડ: (Valsad) વલસાડના યુવાને યુવતી સાથે દુષ્કમ (Abuse) કર્યા બાદ લગ્ન (Marriage) કરવાની ના પાડી દેતા યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. યુવકની ધરપકડ કરાયા બાદ તેને કોર્ટમાંથી જામીન મળતા યુવતીને માઠું લાગી આવ્યું હતું. જેથી યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા યુવકની પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.
- પ્રેમિકાને આત્મહત્યા કરવા પર મજબૂર કરનાર પ્રેમીની ધરપકડ
- વલસાડના યુવાનની ધરપકડ બાદ કોર્ટમાંથી જામીન મળતા યુવતીએ ફાંસો ખાઈ લીધો હતો
- યુવતીએ જીવન ટૂંકાવી લેતા યુવકની પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડની યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ યુવકે લગ્નની લાલચ આપી અનેકવાર યુવતી સાથે શરીર સંબંધો બાંધ્યા બાદ લગ્ન કરવાની ના પાડી દેતાં ગત જાન્યુઆરીમાં યુવતીએ પ્રેમી વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. દરમિયાન યુવકે જામીન મેળવવા કોર્ટમાં અરજી રજૂ કરી હતી. જે 26 માર્ચના રોજ જામીન અરજી મંજૂર થતાં યુવતીને મનદુ:ખ થતાં માઠું લાગી આવ્યું હતું. જેને લઇ આ યુવતીએ કોસ્ટલ હાઇવે ઉપર એક દુકાનના ચેઇન્જ રૂમમાં દુપટ્ટા વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણ થતાં રૂરલ પોલીસે તપાસ કરતા યુવતીની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. પોલીસને મળેલી સ્યુસાઇડ નોટમાં યુવતીએ તેના મોત માટે પ્રેમી યુવકને જવાબદાર ગણાવ્યો હતો. રૂરલ પોલીસે વધુ તપાસ કરતા 26 માર્ચે યુવકની જામીન અરજી મંજૂર થયા બાદ યુવતીએ મોત વ્હાલું કરતાં તેણીના પિતાએ દુષ્પેરણાના ગુના હેઠળ યુવક મયુર પટેલ તથા તેના માતા શારદાબેન અને પિતા અરવિંદભાઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યા બાદ યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.