વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં એકતરફી પ્રેમમાં (Love) સગીરાના અપહરણની (Kidnapping) ધટના સામે આવી છે. ઘટનાની ખાસ વાત એ છે કે અપહરણકર્તાઓ સગીરાને ગાઢ જંગલમાં રાત્રે એકલી મુકી ભાગી ગયા હતા. પોલીસ દ્વારા સમગ્ર રાત શોધખોળ કરાયા બાદ આખરે સગીરાને બચાવી લેવાઈ હતી. વલસાડના પારડી તાલુકાના વેલવાગડ ગામના તળાવ ફળિયામાં રહેતો યુવક એક સગીરાને છેલ્લા એક વર્ષથી હેરાન કરતો હતો. યુવકે એકતરફા પ્રેમના જોશમાં આવી સગીરાના ઘરે પહોંચી તેની માતા અને બહેનને ઈજા પહોંચાડી સગીરાનુ અપહરણ કરી લીધું હતું.
- છેલ્લા એક વર્ષથી સગીરાને હેરાન કરતો હતો
- સગીરાનું અપહરણ કરી જંગલમાં ફરાર થઇ ગયો
- પોલીસે નાઈટ ડ્રોન અને ટેક્નિકલ એનાલિસિસની મદદ લીધી
- પોલીસે રાત્રિ દરમ્યાન દિલધડક સર્ચ ઓપરેશન હાથ ધર્યું
મળતી માહિતી મુજબ આરોપી સુનિલ વલસાડ જિલ્લાના પારડી તાલુકાનો રહેવાસી છે. તે સગીરાને છેલ્લા એક વર્ષથી હેરાન કરતો હતો. ત્ચાર બાદ સગીરાના પરિવારજનોને આ વાતની જાણ થતાં તેઓએ સુનિલને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા. જો કે તેમણે આ મુદ્દે પોલીસને જાણ કરી ન હતી. અંતે આક્રોશમાં આવી એક તરફી પ્રેમીએ સગીરાના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. સગીરાની માતા, બહેન અને કાકાને ધમકાવી સગીરાને લઇ ટુકવાડા નવીનગરી ખાતે આવેલા ગાઢ જંગલમાં ફરાર થઇ ગયો હતો. સુનિલ સગીરાને મૂકીને ગાઢ જંગલમાં ભાગી છૂટ્યો હતો. આ તમામ કૃત્યમાં આરોપી સાથે તેનો એક મિત્ર પણ સામેલ હતો.
આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે નાઈટ ડ્રોન અને ટેક્નિકલ એનાલિસિસ જેવી ટેક્નોલોજીની મદદથી તેમજ ગામના સ્થાનિક લોકોની મદદ લઈને જંગલમાં આખીરાત રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. સગીરાને બચાવવા માટે પોલીસે બધી જ જગ્યાએ નાકાબંધી કરી હતી. વલસાડ જિલ્લાના SP ડો. રાજદીપસિંહ ઝાલા, LCB, SOGની ટીમ સહિત પોલીસની ટીમ ધટના સ્થળે ખડેપગે રાખવામાં આવી હતી. મોડી રાત હોવાને કારણે તથા ગાઢ જંગલ હોવાને કારણે પોલીસને શોધખોળમાં ઘણી સમસ્યા આવી રહી હતી. જોકે વહેલી સવારે પોલીસના પ્રયત્નો સફળ થયા અને તેઓને સગીરા સુરક્ષિત મળી આવી હતી. પરંતુ હજી સુધી બંને યુવકો પકડાયા નથી. પોલીસે તેમને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન વધુ તેજ કર્યુ છે. સગીરા સાથે શું થયું હતું અને યુવકો સગીરાને જંગલમાં મુકી કેમ ભાગી ગયા હતા તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.