વલસાડ: (Valsad) 31stને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વલસાડ એસપીના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પોલીસની ટીમે ગઈકાલે રાત્રે બાતમી આધારે અતુલ ફસ્ટગેટ હાઈવે ઓવર બ્રિજ (Highway Over Bridge) પરથી કન્ટેરમાંથી 384 બોક્સમાં રૂ.12 લાખનો દારૂ (Liquor) મળી કુલ 22.42 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી, દારૂ ભરાવનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
- થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે કન્ટેનરમાં લઈ જવાતા લાખોના દારૂ સાથે ચાલક ઝડપાયો
- દમણમાંથી ગુજરાતમાં દારૂને અટકાવવા માટેના પોલીસના પ્રયાસ છતા દારૂની હેરાફેરી કરતા બુટલેગરો
- અતુલ પાસે પોલીસને કન્ટેનરમાંથી દારૂની 13,452 બોટલ મળી આવી
નાતાલના પર્વ અને 31stના તહેવારની ઉજવણીમાં દારૂની મોટા પ્રમાણમાં માંગ થતી હોય છે. જેને ધ્યાનમાં લઇ વલસાડ જિલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન અને સૂચના હેઠળ બાજુમાં આવેલા સેલવાસ અને દમણમાંથી ગુજરાતમાં ગેરકાયદે રીતે પ્રવેશાતો દારૂને અટકાવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં બુટલેગરો યેનકેન પ્રકારે દારૂની હેરાફેરી કરતા આવ્યા છે. ગઈકાલે રાત્રે વલસાડ રૂરલ પોલીસની ટીમને બાતમી મળેલી કે કન્ટેનરમાં દમણથી દારૂ ભરી સુરત તરફ લઈ જવાય છે.
આ બાતમી આધારે અતુલના ફસ્ટગેટ હાઇવે પર વોચમાં ઉભા રહેતા કન્ટેનર નં. એમએચ 04/એચડી 6665ને અટકાવી તેની અંદર તપાસ કરતા દારૂ બિયરના બોક્સ નંગ 384 જેમાંથી 13,452 દારૂની બોટલ કિં.રૂ.12.42 લાખની મળી આવી હતી. પોલીસે કન્ટેનરની કિં.10 લાખ મળી કુલ રૂ.22.42 લાખના મુદ્દામાલ સાથે આરોપી બહેબૂબ આદમ ગની (રહે. રાયગઢ મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ ભરાવનાર આરોપી રાજેશ (રહે.દમણ)ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.