વલસાડ: (Valsad) વલસાડના અબ્રામા ગિરીરાજ હોટલ (Giriraj Hotel) હાઇવે ઉપર તથા ધમડાચીમાં બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં બે યુવાનના સારવાર (Treatment) દરમિયાન મોત નીપજ્યા હતા. ઘમડાચી પાસે યુવાને મોપેડ પરથી કાબુ ગુમાવતા અકસ્માત (Accident) સર્જાયો હતો. જ્યારે અબ્રામા હાઇવે (Highway) ક્રોસ કરતા રાહદારીનું વાહન (Vehicle) અડફેટે મોત નીપજ્યું હતું. જે અંગેની ફરિયાદ નોંધાઈ છે.
- વલસાડમાં બે સ્થળે અકસ્માતમાં બે બનાવમાં બેના મોત
- ઘમડાચી પાસ યુવાને મોપેડ પરથી કાબુ ગુમાવતા અકસ્માત, જ્યારે અબ્રામા હાઇવે ક્રોસ કરતા રાહદારીનું વાહન અડફેટે મોત નીપજ્યું
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના ગુંદલાવ જીઆઇડીસીમાં રહેતા કિરણ જેકીશન ચાંપાનેરી કામ અંગે પોતાની મોપેડ લઈને વલસાડ આવ્યા હતા. તેઓ વલસાડથી કામ પતાવીને ગુંદલાવ જઈ રહ્યા હતા, ત્યારે ઘમડાચી પાર્વતી મોટર્સ પાસેથી ખેરગામ તરફ જવાના રોડ પરથી પસાર થતી વેળાએ કિરણભાઈએ પોતાની મોપેડ પુરઝડપે હંકારતા સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી અકસ્માત કર્યો હતો. જેમાં કિરણને ઈજા થતાં સારવાર અર્થે 108 મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જ્યારે અન્ય બનાવમાં વલસાડના અબ્રામા કોકાકોલા ફેક્ટરીની પાછળ રહેતો સંપત ભીખુ રાઠોડ અબ્રામા ગીરીરાજ હોટલ પાસે હાઇવે પર સુરત તરફ જવાના માર્ગ પરથી સંપત રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડતાં તેમનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોલીસે બંને અકસ્માત મોત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પારડીના ગોયમા ગામે કેન્સરથી પીડાતા આધેડનું વીજ થાંભલા પરથી પટકાતા મોત
પારડી : પારડી તાલુકાના ગોયમા ગામે રહેતા એક પુરુષને વીજ કંરટ લાગતા મોત નીપજ્યું હતું. ગોઇમાના નાગધી ફળિયા ખાતે રહેતા જયેશ છનજી નાયકા (ઉવ.૫૫) છેલ્લા 2 વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતો હતો. જેઓ મંગળવારે રાત્રે નાકમાં નાંખેલી નળી કાઢી પરિવારને જાણ કર્યા વિના ઘરેથી નિકળી પડ્યો હતો. પરિવાર ચિંતામાં મુકાતા ગામમાં શોધખોળ કરી હતી. બુધવારે ફળિયામાં જ રોડ નજીકથી જયેશ નાયકાની લાશ મળી આવી હતી. મૃતક કેન્સરની બીમારીથી કંટાળીને વીજ થાંભલા પર ચઢી જતા વીજ કરંટ લાગવાથી જમીન પટકાતા મોત નીપજ્યું હોવાની જાણ પારડી પોલીસ મથકે કરાઈ હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.