Dakshin Gujarat

વલસાડ પારનેરા હાઇવે પર ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 12 વર્ષની બાળકીનું મોત

વલસાડ : વલસાડ (Valsad) નજીકના પારનેરા હાઇવે (Highway) પર મહાદેવ ઢાબા પાસે ટેમ્પો (Tempo) અને ટ્રક (Truck) વચ્ચે થયેલા અકસ્માતમાં (Accident) ૧૨ વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત (Death) નીપજ્યું હતું. જ્યારે ૧૦ અને ૮ વર્ષની બાળકીને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં (Hospital) ખસેડાયા અંગેની ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં રહેતા ઈરફાન મિયાં એહમદમિયા મલીક ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરી સાનિયા (ઉંવ 12), આયેશા (ઉંવ 10) અને આલિયા (ઉંવ 8) છે. રવિવારે ઇરફાનભાઇ તેનો ટેમ્પો નં. જીજે-૧૮-બીટી-૯૧૫૫ લઈને ગાંધીનગરથી વાપી આવ્યો હતો. એમની સાથે ત્રણ દિકરીઓને પણ સાથે લઇ આવ્યા હતા. તેઓ વાપી કામ પતાવીને ગાંધીનગર પરત ફરી રહ્યા હતા, ત્યારે વલસાડ નજીકના પારનેરા હાઇવે પરથી સુરત તરફ જતાં માર્ગ પર પસાર થતી વેળાએ ઇરફાનભાઇએ પોતાનો ટેમ્પો પુરઝડપે હંકારી લાવી આગળ ટ્રક સાથે અથડાવી અકસ્માત કર્યો હતો. જેમાં ટ્રક ચાલક ભાગી છુટ્યો હતો. જ્યારે ઇરફાન અને તેની ત્રણ પુત્રી ટેમ્પામાં ફસાઈ ગઈ હતી. દરમિયાન મોટી પુત્રી સાનિયાનું ગંભીર ઈજાને લઈ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઈરફાન અને એની બે પુત્રી ટેમ્પોમાં ફસાઈ ગઈ હોય તેઓને અન્ય વાહન દ્વારા દોરડાં વડે ખેંચીને બે કલાકની ભારે જહેમત બાદ ટેમ્પામાંથી બહાર કાઢ્યા હતા. તેઓને ઇજા થયેલી હોય સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાઇ છે.

ઝઘડિયાના ગોવાલી નજીક ટ્રક અડફેટે બાઈકચાલકનું મોત
ઝઘડિયા: ભરૂચના ઝઘડિયાના ગોવાલી ગામ નજીક સોમવારે સવારે સાડા અગિયાર આસપાસના સમયે ધોરી માર્ગ પર એક હાઇવા ટ્રકના ચાલકે એક મોટરસાઇકલ ચાલકને અડફેટે લેતાં મોટરસાઇકલ ચાલકનું મોત નીપજ્યું હતું. ગોવાલીનો રહીશ અને દૂધનો ધંધો કરતો ગોવિંદ સોમા પાટણવાડિયા સોમવારે બાઇક પર જઇ રહ્યો હતો. એ દરમિયાન એક હાઇવા ટ્રકના ચાલકે અડફેટે લેતાં આ યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં સ્થાનિક યુવકનું મોત થયું હોવાની જાણ થતાં લોકો રોષે ભરાયા હતા. ઉશ્કેરાયેલા લોકટોળાએ ટ્રકને આગ ચાંપતાં ટ્રક સળગી ઊઠી હતી. દરમિયાન સ્થાનિક પોલીસ સહિત નાયબ પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રોષે ભરાયેલા લોકટોળાને મહામહેનતે શાંત પાડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝઘડિયા તાલુકામાં અકસ્માતોની વણથંભી પરંપરા આ અકસ્માતને પગલે ચાલુ રહી છે. છાસવારે સર્જાતા જીવલેણ અકસ્માતોને લઇ તાલુકાની જનતામાં રોષ ફેલાયો છે. જે આજે ગોવાલીના આ જીવલેણ અકસ્માતને લઇને બહાર આવ્યો હતો.

Most Popular

To Top