વલસાડ: (Valsad) વલસાડ તાલુકાના ગુંદલાવના ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં બી/308માં રહેતાં 45 વર્ષીય સંજય રઘુભાઈ વિશ્વકર્મા (મૂળ રહે. બાલુકર્હા ચૌકીયા, સીરગલ્લા નવાદા (બિહાર) તા.29 જાન્યુઆરીના રોજ સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે ફેબ્રિકશનના (Fabrication) ધંધા માટે ગુંદલાવ ગયા હતા, ત્યારે પ્રથમ પત્ની (Wife) ઘરમાં આવી સોનાના દાગીનાની (Gold Jewelry) લઈને ચાલી જતાં વલસાડ રૂરલમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
- વલસાડના ગુંદલાવમાં પ્રથમ પત્ની ઘરમાંથી સોનાના દાગીના લઈ ફરાર
- ઘટના બની તે સમયે ઘરે પ્રથમ પત્ની બબીતાની મોટી દીકરી સ્વિટી અને સીમર હતી
- બીજી પત્ની થકી જન્મેલો દીકરો ઓમ તથા દીકરી માનસી ટ્યુશન ગયા હતા
આ ઘટના બની તે સમયે ઘરે પ્રથમ પત્ની બબીતાની મોટી દીકરી સ્વિટી અને સીમર હતી. બીજી પત્ની રજનીદેવી વલસાડ ખાતે ગાયત્રી મંદિરે ગઈ હતી. બીજી પત્ની થકી જન્મેલો દીકરો ઓમ તથા દીકરી માનસી ટ્યુશન ગયા હતા. ત્યારે સવારે પોણા અગિયાર વાગ્યાના સુમારે પ્રથમ પત્ની બબીતા ઘરમાં કોઈને કંઈ પણ કહ્યા વિના ઘરમાં મુકેલા સોનાના દાગીના લઈને ક્યાંક ચાલી ગઈ હતી, જેની શોધખોળ કરવા છતાં કોઈ જાણ ન થતાં પતિ સંજય વિશ્વકર્માએ વલસાડ રૂરલ પોલીસ મથકે ઘટનાની જાણ કરી હતી. બબીતા શરીરે મજબુત બાંધો, ઘઉં વર્ણ, ઉંચાઈ 5 ફૂટ 1 ઈંચ અને ડાબા હાથના કાંડા ઉપર ટપકાના છુંદણાનું નિશાન ધરાવે છે. જેઓ ગુજરાતી અને હિન્દી ભાષા બોલે છે. જે કોઈને પણ ગુમ થનાર બબીતાબેન વિશ્વકર્મા વિશે ભાળ મળે તો વલસાડ રૂરલ પોલીસ મથકનો સંપર્ક સાધવા માટે અખબારી યાદીમાં જણાવાયું છે.
નવસારી એસ.ટી. ડેપોમાંથી વિદ્યાર્થીનીનો મોબાઈલ ચોરાયો
નવસારી : નવસારી એસ.ટી. ડેપોમાંથી વિદ્યાર્થીનીનો મોબાઈલ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી નાસી ગયાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, ચીખલી તાલુકાના બોડવાંક ગામે બખાર ફળીયામાં ધૃવીની ઉમેદભાઈ પટેલ (ઉ.વ. 17) તેમના પરિવાર સાથે રહે છે. ધૃવીની પાસે વિવો કંપનીનો મોબાઈલ હતો. ગત 18મી જાન્યુઆરીએ ધૃવીનીએ નવસારી ડેપો પર ઉભા રહી તેની બહેનપણી સાથે મોબાઈલ ઉપર વાત કરી હતી અને વાત કર્યા બાદ મોબાઈલ તેણીએ બેગમાં મૂકી દીધો હતો.
બપોરે નવસારી એસ.ટી. ડેપોના પ્લેટફોર્મ નં. 8 ઉપર જોરાવરપીરની બસ મુકાઇ હતી. જેથી ધૃવીની બસમાં ચઢી ગઈ હતી. ત્યારબાદ બસમાં બેસી ગયા બાદ ધૃવીનીએ બેગમાં જોયું તો તેનો મોબાઈલ બેગમાં જણાયો ન હતો. જેથી ધૃવીની બસમાંથી નીચે ઉતરી ગયા બાદ તેણીએ બહેનપણી રિયાના મોબાઈલમાંથી ફોન કરતા ફોન બંધ આવ્યો હતો. જેથી ધૃવીનીએ તેના પિતાને જાણ કરી હતી. આ બાબતે ધૃવીનીના પિતા ઉમેદભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.એમ. ગામીતે હાથ ધરી છે.