વલસાડ : વલસાડના (Valsad) મોગરાવાડીમાં રહેતા મહેતા પરિવારના (Family) ચાર સભ્યએ આર્થિક સંકળામણના કારણે એક સાથે ઝેરી દવા પીને આપઘાતનો (Suicide) પ્રયાસ કર્યો હતો. તેઓ દવા પીને સુઇ ગયા હતા. આ દરમિયાન મુંબઇમાં (Mumbai) રહેતી પરિવારની દિકરીએ ફોન (Call) કર્યો હતો, પરંતુ કોઇએ ફોન નહીં ઉપાડતા પડોશીને ફોન કર્યો અને આખી ઘટના બહાર આવી અને તમામના જીવ બચી ગયા હતા.
વલસાડ મોગરાવાડી શારદાધામ સોસાયટીમાં રહેતા મુકેશભાઇ અનિલભાઇ મહેતા, તેમની પત્ની મીના મુકેશભાઇ મહેતા, પુત્ર પ્રથમેશ મુકેશભાઇ મહેતા અને પુત્રી ટીના મુકેશ મહેતાએ એક સાથે ઉંઘની અનેક ગોળીઓ લઇ આપઘાતનો પ્રયાસ હાથ ધર્યો હતો. તેઓ દવા પીને સુઇ ગયા હતા. એ દરમિયાન મુંબઇ રહેતી પરિવારની અન્ય એક દિકરીએ ફોન કર્યો હતો. ત્યારે ઘરના કોઇપણ સભ્યે ફોન નહીં ઉપાડતાં તેણે નજીકમાં રહેતા એક સંબંધીને ફોન કર્યો હતો. તેણે મહેતા પરિવારના ઘરે જોતાં તમામ અર્ધ બેહોશ પડ્યા હતા. જેના પગલે તેમણે આજુબાજુના લોકોને એકત્ર કરી 108 ને ફોન કર્યો હતો. 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ તુરંત ત્યાં પહોંચી ગયો અને તેમણે આખા પરિવારને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેના પગલે તમામનો જીવ બચી ગયો હતો.
વલસાડમાં આખા પરિવારની આપઘાતના પ્રયાસની પ્રથમ ઘટના
પરિવારના મોભી મુકેશભાઇ વોચમેનની નોકરી કરે છે, જ્યારે તેમનો પુત્ર પારડીમાં કાપડની દુકાનમાં સેલ્સમેનની નોકરી કરે છે. તેમણે આ પગલું આર્થિક સંકળામણના કારણે ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ. વલસાડમાં આખા પરિવાર દ્વારા આપઘાતની ઘટના પ્રથમ વખત બની છે. ત્યારે આ ઘટનાના પગલે વલસાડના લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. હાલ પોલીસે આ બનાવ સંદર્ભે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.