Dakshin Gujarat

4398 લાખના ખર્ચે થશે વલસાડ જિલ્લાના 6 તાલુકાઓનો વિકાસ

વલસાડ: (valsad) રાજયના રાજ્‍યકક્ષાના આરોગ્‍ય મંત્રી અને વલસાડ જિલ્‍લા (District) પ્રભારી કિશોર કાનાણીની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં મંત્રીએ જિલ્લાની આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૧- ૨૨ના ન્‍યુ ગુજરાત પેટર્ન હેઠળ 6 તાલુકાઓના (Taluka) વિકાસ (Development) માટે રૂા. ૪૩૯૮. ૯૩ લાખના ૧૧૦૭ કામો માટેના આયોજનને મંજૂરી આપી હતી.

જે અંતર્ગત અટગામ પોકેટ માટે ૧૪૧ કામો માટે ૩૩૪.૯૬ લાખ, રોણવેલ પોકેટના ૧૨૮ કામો માટે રૂા. ૨૮૪.૩૨ લાખ, પારડીના ૧૫૭ કામો માટે રૂા. ૪૮૨.૬૫ લાખ, વાપીના ૧૨૬ કામો માટે રૂા. ૨૬૪.૭૯ લાખ, ધરમપુરના ૧૭૫ કામો માટે રૂા. ૮૧૨.૭૦ લાખ, કપરાડાના ૨૨૯ કામો માટે રૂા. ૧૬૬૫.૨૦ લાખ અને ઉમરગામના ૧૫૧ કામો માટે રૂા. ૫૫૪.૩૧ લાખના કામો મંજૂર કરવામાં આવ્‍યા છે. બેઠકમાં વલસાડના સાંસદ, જિલ્‍લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો, વલસાડ કલેક્ટર રાવલ, જિલ્‍લા વિકાસ અધિકારી અર્પિત સાગર તેમજ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

સિવિલ હોસ્‍પિટલની કામગીરીની સમીક્ષા કરી

વલસાડ : વલસાડ જિલ્લા પ્રભારી અને આરોગ્‍ય રાજ્‍યમંત્રી કિશોરભાઇ કાનાણીએ વલસાડ જિલ્લાની મુલાકાત દરમિયાન સિવિલ હોસ્‍પિટલની મુલાકાત પણ લીધી હતી અને કોરોનાની ત્રીજી લહેર અગાઉ સંપૂર્ણ તૈયારી કરી લેવા સિવિલ તંત્રને આહવાન કર્યું હતું. આરોગ્‍યમંત્રી કિશોરભાઇ વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે તબીબી અધિક્ષક સાથે મુલાકાત કરી સિવિલ હોસ્‍પિટલની કામગીરીની સમીક્ષા કરી હતી. મ્‍યુકરમાઇકોસિસ અને કોરોના દર્દીઓ સહિત અન્‍ય દર્દીઓને અહીં મળતી સુવિધા અને સારવાર અંગે પણ માહિતી મેળવી હતી. કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે ત્‍યારે કોઇ અગવડતા ન પડે તે માટે પૂરતી તૈયારી કરી લેવા જણાવ્‍યું હતું. આ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્‍પિટલના તબીબી અધિક્ષક ડૉ. ભાવેશ ગોયાણીએ હોસ્‍પિટલની કામગીરી અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી. ધારાસભ્‍યો ભરત પટેલ, અરવિંદ પટેલ અને જીતુ ચૌધરી હાજર રહ્યા હતા.

પારડીના પોણિયા ચાંદણવેરીમાં વર્ષો બાદ પીવાના પાણીની નવી લાઈન નંખાઈ

પારડી : ઉનાળાની સિઝન શરૂ થતાં અનેક જગ્યાએ પાણીની સમસ્યાને લઇ લોકો પરેશાન થતા હોય છે. કુવા-બોરમાં પાણીના સ્તર નીચે ઉતરી જતા લોકોને પૂરતું પાણી મળતું નથી. ત્યારે પારડીના વોર્ડ નં. 6 પોણિયા ચાંદણવેરી વિસ્તારમાં પાણીના સ્તર નીચે ઉતરી જતા લોકોને પીવાના પાણીની સમસ્યા નડી રહી હતી. જે અંગે લાંબા સમયની સ્થાનિકોની રજુઆતને ધ્યાને લઇ પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડ અને સીઓ પ્રાચીબેન દોશીના માર્ગદર્શન હેઠળ વોટર વર્કસના ટેક્નિશિયન ગની શેખની ટીમે પોણિયા ચાંદણવેરી વિસ્તારમાં વર્ષો બાદ પીવાના પાણીની નવી પાઈપ લાઈન નાંખતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આવનાર એક સપ્તાહમાં લોકોના ઘર સુધી પાણી મળી રહેશે.

Most Popular

To Top