વલસાડ: (Valdsad) વલસાડ તાલુકાના કલવાડા ગામે 105 વર્ષના વડીલ દેવલોક પામ્યા (Death) હતા. જેમની અંતિમ યાત્રા (Funeral) આજે ગામમાં વાજતે ગાજતે નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો (Villagers) જોડાયા હતા. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે દાદા 99 વર્ષના હતા ત્યાં સુધી તો જાતે જ સાયકલ પર ગામમાં ફરતા હતા.
ઘણા લોકો એવા પણ હોય છે કે જે પોતાના મૃત્યુ સમયે પરિવારના લોકો દુઃખી ન થાય તે માટે પોતાની કંઈક અલગ જ અંતિમ ઈચ્છા વ્યક્ત કરે છે. હાલ આવો જ એક બનાવ બન્યો છે. કલવાડા ગામે એક પરિવારે પોતાના પરિવારના એક સભ્યને ઘણી જ અનોખી વિદાય આપી છે. જે હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. વલસાડ તાલુકાના કલવાડા ગામે ડોરી તળાવ ફળિયામાં રહેતા 105 વર્ષીય ભાણાકાકા કાળીદાસભાઈ પટેલ ગતરોજ દેવલોક પામ્યા હતા. પરિવાર સહિત કલવાડા અને આસપાસના ગ્રામજનોએ જાણે પોતાના માથેથી છત ગુમાવી હોય તેવો અહેહાસ થયો છે. પરિવાર તરફથી મૃતક પરિજનને લગ્નની ઢબે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી.
ભાણાકાકાના અવસાનને પગલે સમગ્ર ગામમાં શોકની કાલિમા ફેલાઈ હતી. ભાણાકાકા કલવાડા ગામે વૈદ તરીકે પણ પ્રખ્યાત હતા. જેઓ કમળા સહિતની અનેક જીવલેણ બીમારીઓનો દેશી ઉપચારે ઈલાજ કરતા હતા. સાથે જ ભાણા કાકાનું સમગ્ર જીવન ખેતીમાં વીત્યું હતું. જેને લઇને તેઓ તંદુરસ્ત હતા. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, ભાણા કાકા 99 વર્ષના હતા ત્યાં સુધી તો જાતે જ સાયકલ પર ગામમાં ફરતા હતા. વ્યસન મુક્ત હોવાથી તેઓ લાંબુ જીવન જીવી શક્યા હતા. તેમણે અત્યાર સુધીમાં તેમના પરિવારમાં ચાર પેઢી જોઈ છે.