વલસાડ : વલસાડમાં (Valsad) ચણવઇના કાઝી વિરૂદ્ધ 10 ટકા વ્યાજે પૈસા આપવાની વધુ એક ફરિયાદ નોંધાઇ છે. પારનેરામાં કાર (Car) લે વેચ કરનારે દેવામાં ડૂબી ગયા બાદ તેની પાસે પૈસા લીધા હતા. જેના ઉંચા વ્યાજ નીચે તે ફરીથી દેવાના ડુંગરમાં ફસાઇ ગયો હતો. જેના પગલે તેણે આ ચક્કરમાંથી નિકળવા પોલીસ ફરિયાદ (Police Complaint) કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ પારનેરા ગામે રહેતા અને કાર લે વેંચનો વેપાર કરતા રજતકુમાર મહેશભાઇ પટેલ કાર લે વેંચના વેપારમાં દેવાના ડુંગરમાં ખુપી ગયો હતો. જેના પગલે તેણે વર્ષ 2020 ઓગષ્ટમાં ચણવઇના ઇઝહારૂદ્દીન નાઝીમ કાઝી પાસેથી રૂ. 5 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. જેનું માસિક વ્યાજ તે રૂ. 50 હજાર ભરતો હતો. તેણે વ્યાજના રૂ. 7.5 લાખની રકમ રોકડેથી ઇઝહારૂદ્દીનને આપી હતી. ત્યારબાદ તે વધુ પૈસા આપી શક્યો ન હતો. ત્યારે ઇઝહારૂદ્દીને પઠાણી ઉઘરાણી કરતા તેણે વધુ વ્યાજના રૂપિયા ચૂકવવા રૂ. 25 હજારના બે ચેક આપ્યા હતા. એ ચેક પણ તેણે વટાવ્યા હતા. ત્યારબાદ રકમ નહીં ચુકવાતા ઇઝહારૂદ્દીન કાઝીએ અવાર નવાર ત્યાં જઇને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે હાલ ચાલી રહેલા વ્યાજખોર સામેના અભિયાન અંતર્ગત રજત કુમારે વલસાડ રૂરલ પોલીસ મથકે તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ સંદર્ભે ઇઝહારૂદ્દીન નાઝીમ કાઝી વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નવસારીમાં યુવાનથી વ્યાજ નહીં ચૂકવાતા વ્યાજખોરે ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં ફરિયાદ કરી
નવસારી : નવસારીમાં વ્યાજખોરે વ્યાજની ઉઘરાણી કરી હતી. પરંતુ યુવાનથી વ્યાજ નહીં ચૂકવાતા વ્યાજખોરે ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી માનસિક ત્રાસ આપતા મામલો નવસારી ટાઉન પોલીસ મથકે પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ, નવસારીના લુન્સીકુઈ રાશિ મોલની સામે જેટ એપાર્ટમેન્ટમાં રહેતા ગીરીશભાઈ કાંતિલાલ ગાંધીએ નવસારી વિદ્યાકુંજ સ્કૂલ પાસે રહેતા મનોજભાઈ રમણભાઈ ગાંધી પાસેથી 1.25 લાખ રૂપિયા ઊંચા વ્યાજે લીધા હતા.
ત્યારબાદ મનોજભાઈએ ગીરીશભાઈ પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ગીરીશભાઈએ પહેલા 60 હજાર રૂપિયા રોકડા, ત્યારબાદ 1.50 લાખ રૂપિયા ચેકથી અને 1.50 લાખ રૂપિયા રોકડા મળી કુલ્લે 3.60 લાખ રૂપિયા કઢાવી લીધા હતા. પરંતુ ત્યારબાદ પણ મનોજભાઈએ ગીરીશભાઈ પાસેથી વ્યાજની ઉઘરાણી કરી રહ્યા હતા. પરંતુ ગીરીશભાઈથી વ્યાજની રકમ નહીં ભરાતા મનોજભાઈએ ગીરીશભાઈએ આપેલા ચેકમાં 3 લાખ રૂપિયાની રકમ ભરી તે ચેક બેંકમાં નાંખી બાઉન્સ કરાવ્યો હતો. જેથી મનોજભાઈએ કોર્ટમાં ચેક બાઉન્સનો કેસ કરી ગીરીશભાઈને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ બાબતે ગીરીશભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે મનોજભાઈ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.એચ. ચૌધરીએ હાથ ધરી છે.