વલસાડ: (Valsad) વલસાડના નાનકવાડા ગામેથી જઇ રહેલા એક વરઘોડાના જાનૈયાઓ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા. તેમણે એક ઘર બહાર કાર (Car) પાર્ક કરી હતી. જે અંગે ઘરના રહીશે તેમને કાર હટાવવા કહેતાં મામલો ગરમાયો અને તેમણે યુવાનને માર માર્યો (Fighting) હતો. તેમ છતાં તેમને સંતોષ નહીં થતાં વરઘોડો પત્યા પછી ફરીથી તેઓ આવી ઘરમાંથી યુવાનને બહાર કાઢી માર મારી જાહેરમાં ગુંડાગર્દીનું (Bullying) ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતુ.
- વલસાડમાં જાનૈયાઓ બન્યા ગુંડા, બીજાના ઘર પાસે ખોટી રીતે કાર પાર્ક કરી મારામારી કરી
- વલસાડમાં ગુંડારાજ : રહીશે કાર હટાવવા કહેતાં માર માર્યો
- વરઘોડો પત્યા પછી ફરીથી યુવાનને ઘરમાંથી બહાર કાઢી માર માર્યો
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડના નાનકવાડા વિસ્તારમાંથી પસાર થતા વરઘોડામાં કોઇ જાનૈયાઓએ જય સંતોષીમા એપાર્ટમેન્ટ પાસે કાર પાર્ક કરી હતી. ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા એક યુવાન અનુજ મધુસુદન વ્યાસે જાનૈયાઓને કહ્યું કે, આ કાર કોની છે. અહીંથી સાઇડમાં લઇ લો. તેનાથી ગુસ્સે ભરાઇને જાનૈયાઓમાં આવેલા કિશોર અને કૃણાલ ઉર્ફે ચકો નામના યુવાને તેને ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો. જેમાં વચ્ચે પડી બધાએ મારામારી અટકાવી દીધી હતી. વાત આટલેથી પુરી થઇ ન હતી.
આવી નાની વાતની અદાવત રાખી આ જાનૈયાઓ જીગર હરીશ પટેલ, કેયુર હરીશ પટેલ, કિશોર ઇશ્વર પટેલ અને કૃણાલ ઉર્ફે ચકો વિજય પટેલ (તમામ રહે નાનકવાડા) ફરીથી અનુજના ઘરે આવ્યા હતા. અને ઘરનો દરવાજો ઠોકી તેને બહાર કાઢી ફરીથી તેને બેહોશ થાય એટલો માર માર્યો હતો. જેના પગલે મામલો ગરમાયો હતો. આ ઘટના બાદ અનુજને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ બનાવ સંદર્ભ અનુજના પિતા મધુસુદનભાઇએ વલસાડ સિટી પોલીસ મથકે જીગર, કેયુર, કિશોર અને કૃણાલ ઉર્ફે ચકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાંસી ગામે બે યુવાનોએ જૂની અદાવતમાં મહિલાને અપશબ્દો બોલી ધમકાવી માર માર્યો
નવસારી : વાંસી ગામે બે યુવાનોએ જૂની અદાવતમાં મહિલાને અપશબ્દો બોલી ધમકાવી માર મારતા મામલો મરોલી પોલીસ મથકે પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના વાંસી ગામે નારીયેળી ફળીયામાં રહેતી વનીતાબેન ધીરુભાઈ પટેલ ગત 4થીએ દીકરી કિનલ નવસારી હુંદરાજ દાણા-ચણાની દુકાન પાસે ઉભી હતી. ત્યારે વાંસી ગામે નવાગામ ફળીયામાં રહેતો અન્કેત પ્રવિણભાઈ પટેલ અને મંદિર ફળીયામાં રહેતો કાર્તિક બળવંતભાઈ પટેલે આવી કિનલને તારી મમ્મીએ અમારી સાથે અગાઉ ઝઘડો કરી અપશબ્દો બોલ્યા છે જેથી તું તારી મમ્મીને સમજાવી દેજે તેમ જણાવી જતા રહ્યા હતા. જેથી કિનલે આ બધી વાત તેની માતા વનીતાબેનને જણાવી હતી.
સાજે અન્કેત અને કાર્તિક વનીતાબેનના ઘર પાસેથી પસાર થતા હતા ત્યારે વનીતાબેને તેમને ઉભા રાખી મારી દીકરી કિનલને તમે કેમ ધમકાવો છો તેમ કહેતા અન્કેત અને કાર્તિકે બાઈક સાઈડમાં મૂકી વનીતાબેનને અપશબ્દો બોલવા લાગ્યા હતા. ત્યારે વનીતાબેને તેમને અપશબ્દો બોલવાની ના પાડતા અન્કેતે અને કાર્તિકે વનીતાબેનને ઢોલથાપડ કરતા વનીતાબેને બુમાબુમ કરી દીધી હતી. જેથી બાજુમાં રહેતા સગાં અને પાડોશીઓ દોડી આવતા અન્કેત અને કાર્તિક જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા. જ્યારે ગત ૫મીએ વનીતાબેન તેમના ઘર પાસે કપડા સૂકવવા નાંખતા હતા ત્યારે અન્કેત અને કાર્તિક અપશબ્દો બોલી જતા રહ્યા હતા. આ બનાવ અંગે વનીતાબેને મરોલી પોલીસ મથકે અન્કેત અને કાર્તિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એ.એસ.આઈ. નિવૃત્તિભાઈને સોંપી છે.