વલસાડ: (Valsad) કપરાડા તાલુકાના વડખંભા-નાશિક માર્ગ પર ખરેડી ડુંગરી ફળિયા નજીક સોમવારે રાત્રે અજાણ્યા બાઈક (Bike) ચાલકે અન્ય બાઈકને અડફેટે ચઢાવતા બાઈક સવાર દંપતી અને પૌત્રી માર્ગ (Road) પર ફેંકાયા હતા. 108ને ફોન કરતાં તમામને ધરમપુર હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં દંપતી પૈકી પત્નીની ઇજા ગંભીર હોઈ તેને વલસાડ હોસ્પિટલ (Hospital) લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન પત્નીનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર બાઈક પણ માર્ગની બાજુમાં પડી ગઈ હતી. જોકે, તેના ચાલકની કોઈ ભાળ મળી ન હતી.
- કપરાડા ખરેડી નજીક આધેડની બાઈકને અકસ્માત, પત્નીનું મોત, પૌત્રી ઈજાગ્રસ્ત
- પાનસ લગ્નમાં જવા નીકળ્યા ત્યારે ઘર નજીક જ એક બાઈકે ટક્કર મારતાં ફંગોળાયા હતાં
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી જુગલ રામજી જાંજર (રહે. ખરેડી, ડુંગરી ફળિયા, કપરાડા)એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 29 મેના રોજ રાત્રે પાનસ ખાતે પરિવારમાં લગ્ન હોઈ તેના પિતા રામજીભાઈ, માતા રમીલાબેન અને તેની પૌત્રી પલક સાથે બાઈક લઈ પાનસ જઈ રહ્યા હતાં. તે સમયે ઘર નજીક જ અકસ્માતનો અવાજ આવતા માર્ગ પર દોડી જઇ જોતાં રામજીભાઈની બાઈકને અકસ્માત થયો હોવાનુ જાણવા મળ્યું હતું.
જયારે માર્ગની બાજુમાં અન્ય એક બાઈક પણ પડેલી જોવા મળી હતી. આ અકસ્માતમાં માતાને કમરના ભાગે અને જમણા હાથમાં અને પૌત્રી પલકને જમણા પગમાં મૂઢ માર લાગ્યો હોવાનું જણાયું હતું. જેથી 108માં તમામને ધરમપુરની હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રમીલાબેનને વલસાડ ડોકટર હાઉસ લઈ જવાયા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મોત થયાનું તબીબે જણાવ્યું હતું. ઘટના અંગે જુગલ ઝાંઝરે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે નાનાપોંઢા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.