પારડી: (Pardi) પારડીના કલસર બે માઈલ ચાર રસ્તા પાસે પોલીસે દમણથી (Daman) દારૂ (Alcohol) ભરીને આવતા ટેમ્પામાંથી વિપુલ પ્રમાણમાં રૂ.13.83 લાખના દારૂના જથ્થા સાથે ચાલકને દબોચી લીધો હતો. જ્યારે ત્રણ ઈસમને વોન્ટેડ (Wanted) બતાવી કુલ રૂ. 23.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે કલસર બે માઇલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન દમણથી દારૂ ભરી કલસર પાતલીયા ચેક પોસ્ટથી ટેમ્પો આવતા પોલીસે રોકી તપાસ કરતા તાડપત્રી ખોલીને જોતા પ્લાસ્ટિકના મીણીયાની થેલીમાં વેસ્ટ કચરો મળી આવ્યો હતો. જેને હટાવીને ચેક કરતા દારૂ ભરેલા બોક્સ નંગ 215 જેમાં દારૂની બોટલ નંગ 6768 જેની કિં.રૂ.13,83,600 મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક ઝમીર મન્નન મિયા સૈયદ (રહે.મહારાષ્ટ્ર ઔરંગાબાદ)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ દારૂનો જથ્થો કોણે ભરી આપ્યો અને ક્યાં લઈ જવાનો હતો.
જે અંગે પૂછતા વાપીના રાજાભાઈએ દમણ ખાતે ટેમ્પામાં માલની હેરાફેરી માટે બોલાવી દમણના કેવિન પટેલે કોન્ટેક્ટ કરી આપ્યો હતો. કેવિન પટેલે દમણ ભીમપોરથી ટેમ્પો લઈ દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. સુરત ખાતે રહેતા રહીમને તેના વોટ્સએપ લોકેશન જગ્યાએ પહોંચાડવા જણાવ્યું હતું. પોલીસે વાપીના રાજાભાઈ, દમણના કેવિન પટેલ અને સુરતના રહીમ સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. દારૂનો જથ્થો તેમજ ટેમ્પાની કિં.રૂ.10 લાખ, મોબાઇલ સહિત કુલ રૂ. 23 લાખ 88 હજાર 600નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિ.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ધરમપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પોલીસે રેડ દરમ્યાન દેશી દારૂ વેચતા બુટલેગર સામે લાલ આંખ કરી
ધરમપુર : ધરમપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પોલીસે રેડ દરમ્યાન લાખો રૂપિયાનો પકડાયેલો દેશી દારૂનો જથ્થો મહિલા પીઆઈ એમ.જે.પટેલ તથા પીએસઆઇ પ્રજાપતિની ઉપસ્થિતિમાં ધરમપુર પોલીસ મથકના પાછળના ભાગે પોલીસ ગ્રાઉન્ડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. ધરમપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પોલીસે રેડ દરમ્યાન દેશી દારૂ વેચતા બુટલેગર સામે લાલ આંખ કરી દેશી દારૂના અસંખ્ય કેસ પોલીસ મથકે નોંધતા દેશી દારૂ વેચતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ધરમપુર પોલીસે લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં મોટા ભાગે દેશી દારૂના નાના મોટા મળી ૫૦ થી ૬૦ જેટલા કેનનો ધરમપુર પોલીસ લાઈન ગ્રાઉન્ડ પર નાશ કરાયો હતો.