વલસાડ: (Valsad) વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના ધરાસણા ગામના દંપતિને વલસાડ નજીક હાઇવે (Highway) પર અકસ્માત (Accident) નડ્યો હતો. દારૂના નશામાં (Drunk) વિશ્વા ક્રેનના (Crane) ચાલકે તેમને અડફેટે લઇ મોપેડ પર સવાર મહિલાને કચડી નાખ્યા હતા. જેના પગલે મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે મોપેડ (Moped) સવાર પુરુષને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ક્રેન ચાલક સામે આક્રોશ ફાટી નિકળ્યો હતો. શરાબના (Alcohol) નશામાં ધૂત ક્રેન ચાલકને ધોલ થાપટ કરી પોલીસના હવાલે કર્યો હતો.
- વલસાડ હાઇવે પર દંપતિને નશામાં ધૂત ક્રેન ચાલકે અડફેટે લેતાં મહિલાનું મોત
- ધરાસણા ગામના પતિ-પત્ની મોપેડ પર જઇ રહ્યા હતા, ત્યારે ક્રેને તેમને કચડી કાઢ્યા
- ઘટનાના પગલે સ્થાનિકોમાં ક્રેન ચાલક સામે આક્રોશ ફાટી નિકળ્યો
- આ ઘટના નજીકની એક દુકાનના કેમેરામાં કેદ થઇ ગઇ હતી
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ધરાસણા ગામે ભંડાર ફળિયામાં રહેતા રામભાઇ ગોપાલભાઇ પટેલ અને તેમના પત્ની પ્રવિણાબેન રામભાઇ પટેલ ગતરાત્રે તેમના મોપેડ પર સવાર થઇ ગાડરિયાથી ધરાસણા પોતાના ઘરે પરત થઇ રહ્યા હતા. એ સમયે વલસાડ અટક પારડી ગામ નજીક ધોઢિયા પટેલ સમાજના હોલ નજીક કોઇ કારણોસર તેમણે રોડની બાજુએ તેમની મોપેડ ઉભી રાખી હતી અને વાત કરતા હતા. એ સમયે પુરપાટ ઝડપે ગાંડાતૂર બનીને આવેલા વિશ્વા ક્રેન (નં. જીજે-15-બીબી-8524)ના ચાલકે તેમને અડફેટે લીધા હતા. જેમાં રામભાઇ અને પ્રવિણાબેન મોપેડ પરથી પડી ગયા હતા. ત્યારે ક્રેન ચાલકે પ્રવિણાબેનને પાછલા પૈંડાથી કચડી કાઢ્યા હતા.
આ ઘટના નજીકની એક દુકાનના કેમેરામાં કેદ પણ થઇ ગઇ હતી. આ ઘટનાના પગલે સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા. તેમણે જોયું કે ક્રેન ચાલક દારૂના નશામાં ધૂત હોય સ્થાનિકોએ તેને માર મારી પોલીસને બોલાવી હતી. બીજી તરફ આ ઘટનામાં ગંભીર ઇજાના કારણે પ્રવિણાબેનનું મોત નિપજ્યું હતુ. જ્યારે રામભાઇને શરીરે હાથ અને પગમાં ગંભીર ઇજા પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ બનાવ સંદર્ભે સિટી પોલીસે ગુનો રામભાઇના ભાઇ પરેશભાઇ પટેલની ફરિયાદ લઇ વિશ્વા ક્રેનના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.