વલસાડ: (Kaprada) કપરાડા-નાશિક માર્ગ પર દીક્ષલ ગામે પેટ્રોલ પંપ (Petrol Pump) નજીક એક કાર ચાલકે દિવ્યાંગની (Handicap) ત્રણ પૈડા વાળી મોપેડને અડફેટે લેતા દંપતી અને બહેનને ઇજા પહોંચી હતી. ગંભીર ઈજાગ્રસ્ત દિવ્યાંગને વધુ સારવાર માટે વલસાડ હોસ્પિટલ લઈ જતા એક પગ કાપવાની ફરજ પડી હોવા અંગે મોપેડ ચાલકની પત્નીએ કાર ચાલક સામે કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
- કપરાડાના દીક્ષલ નજીક કાર-મોપેડ વચ્ચે અકસ્માત, 3ને ઈજા
- ગંભીર ઈજા થતા મહેશભાઈનો ડાબો પગ કાપવો પડ્યો
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી આંબોસી ભવઠાણ, કપરાડાના રહેવાસી અનસૂયાબેન મહેશ ભાઈ કુરકુરટિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પતિ મહેશભાઈ ડાબા પગે વિકલાંગ હોઈ ત્રણ ટાયરવાળી મોપેડ લઈ તા.25 મે ના રોજ ઘોટન ખાતે લગ્ન પ્રસંગ હોવાથી મગફળી વેચવા માટે પતિ અને બેન મીરા સાથે જઈ રહ્યા હતા. જ્યાંથી રાત્રે બે વાગ્યે ધામણ વેંગણ જઈ રહ્યા હતા ત્યારે દીક્ષલ પેટ્રોલ પંપ પહેલા કપરાડા તરફથી આવી રહેલી કારના ચાલકે રોંગ સાઈડે કાર હંકારી અકસ્માત કર્યો હતો.
તમામને ઇજા પહોંચતા 108ને ફોન કરતાં પતિ-પત્ની અને બેનને સારવાર માટે કપરાડા સીએચસી લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે પતિને ડાબા પગે અને હાથમાં ગંભીર ઇજા હોઈ વલસાડ કસ્તુરબા હોસ્પિટલ ખસેડાયા હતા. મહેશભાઈને ડાબા પગમાં ગંભીર ઈજા થઈ હોવાથી ઓપરેશન કરી ડાબો પગ કાપવામાં આવ્યો હતો. આ અંગે અનસૂયા મહેશભાઈએ કપરાડા પોલીસ મથકે કારચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કાર ચાલક દીક્ષલ, કપરાડા હોવાનું જાણવા મળતાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી.