સાપુતારા: ડાંગ (Dang) જિલ્લાનાં વઘઈ જી.ઈ.બીનાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટનું ગીરાધોધ ફાટક પાસે કાર અડફેટે (Car Accident) મોત (Death) નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, વઘઇના રંભાસ ગામે રહેતા અને વઘઇ જી.ઈ.બી સબ ડિવિઝનમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા યોગેશભાઇ ધર્મુભાઇ ગાવિત (ઉ.24) રવિવારે ઓફિસથી સાંજનાં સાડા સાત વાગ્યે ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે તેઓ હોર્નેટ મોટર સાયકલ નં. GJ-30-C-1596 પર સવાર થઈ વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં ગીરાધોધ ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ સાપુતારા તરફથી બ્રિઝા ગાડી નં. GJ-05-JQ-3908નાં ચાલકે પુ૨ઝડપે રોંગ સાઇડમાં હંકારી લાવતા યોગેશની હોર્નેટ મોટર સાયકલને અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. જો કે, સ્થળ પરથી બ્રિઝા કારચાલક નાસી છૂટ્યો હતો.
કસ્માતનાં બનાવમાં યોગેશને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વઘઇ સી.એચ.સી ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગંભીર ઈજાઓનાં પગલે આ ફરજ પરનાં ડોક્ટરે તેને મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અકસ્માતનાં બનાવમાં મોટરસાઈકલનો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો. જ્યારે બ્રિઝા કારનાં બોનેટનો ભાગ ચબદો બન્યો હતો. અકસ્માતનાં બનાવ અંગેની ફરિયાદ વઘઇ પોલીસ મથકમાં નોંધાતા વઘઇ પોલીસની ટીમે બ્રિઝા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ખડસુપા ગામે ચાલુ બાઇક પરથી પડી જતા વૃદ્ધાનું મોત
નવસારી : ખડસુપા ગામે ચાલુ બાઇક પરથી વૃદ્ધા રસ્તા પર પડી જતા શરીરે અનવ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના ખડસુપા ગામે નવું ફળિયામાં મંજુબેન બાબુભાઇ હળપતિ (ઉ.વ. 60) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 6ઠ્ઠીએ મંજુબેન ગામના ઝંડા ચોક ફળિયામાં રહેતા અશોકભાઈ નાથુભાઈ પટેલની બાઇક (નં. જીજે-21-બી-9873) ની પાછળ બેસી ઘરે જતા હતા. દરમિયાન ખડસુપા ગામે જયંતીભાઈ પટેલની વાડી સામેથી પસાર થતા મંજુબેન ચાલુ બાઇક પરથી પડી ગયા હતા. જેને કારણે મંજુબેનને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખડસુપા સરકારી દવાખાનામાં ખસેડ્યા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે અશોકભાઈ પટેલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. વાય.જી. ગઢવીએ હાથ ધરી છે.