સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં એક તરફ નર્મદા નિગમ નવા નવા પ્રોજેક્ટો માટે પોતાની જમીનમાં સરવે કરી રહ્યું છે. તો બીજી બાજુ 6 ગામ કેવડિયા-કોઠી, લીમડી, ગોરા, નવાગામ, વાગડિયા અને ગોરા ગામમાં લોકો પોતાની વિવિધ માંગોને લઈ વિરોધ કરી રહ્યાં છે. હાલમાં જ કેવડિયા ગામમાં સરવે કામગીરી દરમિયાન નર્મદા નિગમના અધિકારીઓ અને સ્થાનિક આદિવાસી મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. એક બાજુ નર્મદા નિગમ એમ કહી રહી છે કે આ જમીનો અમારી છે તો બીજી બાજુ 6 ગામના આદિવાસીઓ એમ કહી રહ્યા છે કે અમને એના પુરાવાઓ આપો.
આ તમામની વચ્ચે વાગડિયા ગામ લોકોએ રૂઢી-પ્રથાવાળી ગ્રામસભા બોલાવી અલગ અલગ 25 જેટલા ઠરાવો કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નિર્માણ પામી રહેલા મહત્વના પ્રોજેક્ટો વચ્ચે વાગડિયા ગ્રામજનોએ રૂઢી-પ્રથા વાળી ગ્રામસભામાં વિવિધ સમિતિઓના અધ્યક્ષોની પણ નિમણૂક કરી છે. ગ્રામસભાના ન્યાય સમિતિના અધ્યક્ષ રવિ બાબુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા નિગમ દ્વારા 1950 થી અત્યાર સુધી અમારા ગામની 100% જમીન સંપાદન કરી છે, અને અમારી મિલકતમાં નર્મદા નિગમનું નામ ચઢાવ્યું છે.
સરકારનો નિયમ છે કે ખેડૂતની 100% જમીન સંપાદિત કરી શકાય નહીં. અમે હક પત્રક માંગીએ છીએ તો એ અમને આપતા નથી.7/12, 8/અ માં અમારું નામ ન હોવાથી અમને અત્યાર સુધી ખેડૂત તરીકેના સરકારના કોઈ જ લાભો મળ્યા નથી. નર્મદા યોજના 17/09/2017ના રોજ પૂર્ણ થયેલ છે. જેથી આદિવાસીઓની બાકી રહેલી જમીનો જે હેતુ માટે સંપાદન કરી હતી તે હેતુ માટે ઉપયોગ થયો નથી. તાત્કાલિક અસરથી વિના વિલંબે સરકારે અમને અમારી જમીન પરત કરવી જોઈએ.
રવિ બાબુ વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા નિગમ પાસે માહિતી માંગી ત્યારે એમણે જવાબ આપ્યો કે અમારી પાસે કલમ 4 અને 6 છે, કલમ 4 એટલે જમીન સંપાદન કરવાની હોય એનો સરવે કરવાનો હોય અને કોને કેટલું વળતર ચૂકવવાનું છે એ કલમ 6 માં આવે.કલમ 7 એટલે ખેડૂતો માટે અગાઉથી ખેડૂતો માટે પેમેન્ટ માંગવામાં આવે, કલમ 8-9-11 મુજબ ખાતેદારોને એમનું વળતર લઈ જવાની નોટિસ આપવામાં આવે અને ખેડૂતોની સંમત્તિ પણ લેવાય, કલમ 12-14-16 મુજબ પુનઃ વસવાટ થઈ ગયો છે એમ ગણાય. વાગડિયા ગામની જમીન સંપાદિત થઈ જ નથી.