વડોદરા: (Vadodra) વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે નવો વણાંક આવ્યો છે. કસૂરવારો પર ગાળિયો વધુ મજબૂત થતો જઈ રહ્યો છે. આ મામલે સુપ્રિમ કોર્ટમાં (Supreme Court) જાહેર હિતની અરજી કરવામાં આવી છે. મોરબી બ્રિજ દુર્ઘટના મામલે લડત આપી રહેલા એડવોકેટ ઉત્કર્ષ દવેએ વડોદરા બોટ (Boat) દુર્ઘટના મામલે SCમાં જાહેર હિતની અરજી કરી છે. અરજીમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ પગલાં લેવા અને વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે.
વડોદરા બોટ દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મોરબી બ્રિજ દુર્ઘટના એસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં PIL કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજી દ્વારા ન્યુ સનરાઈઝ શાળાના આચાર્ય, ટ્રસ્ટીઓ સહિત વડોદરા મ્યુનિસિપલ કમિશનર, વડોદરા કલેકટર સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. કોની મંજૂરીથી NOC અને જરૂરી પરવાનગીઓ આપવામાં આવી હતી તે દિશામાં તપાસની માંગ પણ એસોસિએશન દ્વારા કરવામા આવી છે. કલેકટર, કોર્પોરેશન દ્વારા ક્યારેય પણ નિરીક્ષણ ન કરાયું હોવાનો અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથેજ બોટ જર્જરીત હાલતમાં હોવા છતાં કોની મંજૂરીથી ચાલી રહી હતી તે અંગે પણ સવાલ ઉઠ્યા છે. અરજીમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા કલેકટરને સસ્પેન્ડ કરી કાયદાકીય પગલા લેવાની રજૂઆત કરવામાં આવી છે.
વડોદરા બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટે સુઓમોટોની તૈયારી દર્શાવી
અમદાવાદ: વડોદરા હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે સુઓમોટોની તૈયારી દર્શાવી છે. બીજી તરફ હાઇકોર્ટ નોંધ્યું હતું કે, બેદરકારીના કારણે નિર્દોષ માસુમ બાળકોના જીવ ગયા છે, તે સાખી નહીં લેવાય. ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસની ડિવિઝન બેન્ચમાં હાઇકોર્ટ એસોસિયેશન દ્વારા વડોદરા દુર્ઘટના મામલે માહિતગાર કરાયા હતા અને સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરી હતી. વધુમાં એવી પણ રજૂઆત કરાઈ હતી કે, આ દુર્ઘટનામાં અનેક બાળકોએ જીવ ગુમાવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ બાળકોને લાઈફ જેકેટ કે અન્ય કોઈ જ સુવિધા આપવામાં આવી ન હતી. જેથી આ દુર્ઘટના બેદરકારીને કારણે બની હોવાનું સ્પષ્ટ થાય છે. હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા કરાયેલી રજૂઆત બાદ હાઇકોર્ટે આ સમગ્ર ઘટનાનો અહેવાલ મંગાવીને સુઓમોટોની તૈયારી દર્શાવી હતી.
બીજી તરફ વડોદરા હોડી દુર્ઘટનાને લઈને ઘટનાની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. આ સીટમાં સાત ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. આ મામલે દસ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે. વધુમાં આ ઘટના અંગે 18 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાંથી હોડી ચલાવનાર અને હોડીના ગાર્ડ એમ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કોન્ટ્રાક્ટ મેળવનારા ત્રણ ભાગીદારોની તપાસ ચાલી રહી છે.