વડોદરા: વડોદરાના (Vadodara) નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ આજે બપોર બાદ જનસેવા કેન્દ્રની (public service center) ઓચિંતી મુલાકાત લઇને ત્યાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જનસેવા કેન્દ્ર ઉપરાંત ઇધરા કેન્દ્રની પણ મુલાકાત લઈને દફતરની પણ ચકાસણી કરી હતી. નિવાસી અધિક કલેક્ટર ડો.પ્રજાપતિ આજે અચાનક જનસેવા કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે અરજદારોને આપવામાં આવતી વિવિધ સેવાઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
તેમણે ત્યાં રહેલા રજીસ્ટરો પણ તપાસ્યા હતા. જેમાં આજના દિવસે ૨૫૦ અરજીઓના નિકાલ થયો હોવાની બાબત નોંધી હતી. જનસેવા કેન્દ્ર ખાતે આવતા અરજદારો માટે ઉભી કરવામાં આવેલી વેઇટિંગ રૂમ સહિતની સુવિધાઓનું પણ તેમણે નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. અહી કાર્યરત કર્મયોગીઓ સાથે સંવાદ સાધી અરજદારોને કોઇ પણ પ્રકારની તકલીફ ના પડે એ રીતે કામ કરવા માટે સૂચના આપી હતી. બાદમાં નર્મદા ભવનમાં આવેલી મામતદાર કચેરી અને ઈધરા કેન્દ્રનું પણ નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે બેઠક કરી તૂમારો અંગે માહિતી મેળવી હતી.
આડેધડ લગાવાયેલા હોર્ડિંગ્સને કારણે વાહનચાલકોને હાલાકી
વડોદરા: વડોદરા શહેરમાં ફરી એકવાર આડેધડ હોર્ડિંગ્સના કારણે ટ્રાફિક સિગ્નલ ન દેખાતા વાહનચાલકોને હાલાકી તથા ટ્રાફિકના નિયમના તંત્રની લાપરવાહીને કારણે ઉલ્લંઘન થકી દંડ ભોગવવાનો વારો આવ્યો છે.
સ્માર્ટ સીટી વડોદરા શહેરમાં ફરી એકવાર આડેધડ હોર્ડિંગ્સના જંગલો ઉભા થઇ રહ્યાં છે. વડોદરા મહાનગર પાલિકાના તંત્રની લાપરવાહીને કારણે શહેરમાં આડેધડ હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યાં છે. પાલિકા તંત્ર દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવતી ન હોય તેવું સ્પષ્ટ જણાય છે. પાલિકા તંત્રને ફક્ત આવકમાં રસ હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વાર તહેવારોએ ધાર્મિક, રાજકીય અને સામાજિક કાર્યક્રમો માટે હોર્ડિંગ્સ લગાડી પ્રચાર પ્રસાર કરવામાં આવે છે, પરંતુ આ હોર્ડિંગ્સ લગાડવા માટે પણ કેટલાક ધારાધોરણો, નિયમોનું પાલન કરવાનું હોય છે, તો સામે પાલિકા તંત્ર દ્વારા પણ યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે હોર્ડિંગ્સ લાગ્યા છે કે કેમ, નિયમોનું પાલન થયું છે કે કેમ તે જોવાનું પણ પાલિકા તંત્રનું કામ છે.