વડોદરા: વડોદરામાં (Vadodara) પોલીસના (Police) ચાર ઝોન પૈકી ઝોન-4માંથી વર્ષ 2023 દરમિયાન સવા બે કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો (Alcohol) જથ્થો પકડાયો હતો. જેમાં પણ મોટો દારૂનો જથ્થ પર સ્ટેટ મોનિટરિંગ સેલની (State Monitoring Cell) ટીમ દરોડો પાડતી હતી. જેના કારણે વારંવાર શહેર પોલીસનું નાક વારંવાર કપાતું હતું.
જેથી તાજેતરમાં પણ ઝોન-4માંથી 78 લાખ સહિત 1.24 કરોડનો મુદ્દામાલ એસએમસીએ પકડયો હતો અને બાપોદ પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. જેથી પોલીસ કમિશનર સમગ્ર ઝોન-4ના અધિકારીઓ સામે લાલ આંખ કરી હતી અને જેમાંથી પહેલી વિકેટ પીઆઇ સી પી વાઘેલાને પાડી તેમને સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે પીએસઆઇને ટ્રાફિક અને બે કોન્સ્ટેબલની કંટ્રોલ અને સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી કરી નાખી છે. આગામી દિવસોમાં કામગીરીમાં નિષ્ક્રિયતા દાખવનાર પીઆઇ, એસીપી તથા ડીસીપી સામે પણ સકંજો કસાય તો નવાઇ નહી.
વડોદરા શહેરમાં પોલીસના ચાર ઝોન પૈકી ઝોન -4માંથી વર્ષ દરમિયાન વિપુલ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો અવારનવાર પકડાયો છે. જેમાં ઘણી વાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડીને મોટો દારૂ ઝડપી પાડવામાં આવતો હોય છે. જેના કારણે વારંવાર શહેર પોલીસનું નાક કપાતુ હોય છે. તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે આજવા રોડ પર આવેલા સરદાર એસ્ટેટ પાસેથી લિસ્ટેડ બુટલેગર લાલુ સિંધીએ મંગાવેલા દારૂની કટિંગ વેળા દરોડો પાડી 78 લાખના વિદેશી દારૂ સાથે 1.24 કરોડના ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
જેમાં મુખ્ય બુટલેગર લાલુ સિંધીને વોન્ટેડ જાહેર કર્યો હતો અને પાંચ લોકોની ધરપકડ કરાઇ હતી. જેમાં બાપોદ પોલીસ ઉંઘતી ઝડપાતા પોલીસ ઇન્સ્પેક્ટર સી પી વાઘેલા સહિત અન્ય કર્મીઓની બેદરકારી સામે આવી હતી. જેથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા ગંભીર પ્રકારના નોંધ લીધી હતી અને તાત્કાલિક અસરથી પીઆઇ સી પી વાઘેલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે પી.એસ.આઇ સી.એસ પારેખની ટ્રાફિકમાં અને કોન્સ્ટેબલ દેવરાજસિંહની કંટ્રોલ રૂમમાં તથા હરેશભાઇની સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી કરી દેવામાં આવી છે.
હાલમાં બાપોદ પોલીસ સ્ટેશનનો ચાર્જ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ચૌહાણને સોંપવામાં આવ્યો છે. આમ જોકે પોલીસ કમિશનર દ્વારા પોલીસના ઝોન-4માં નિષ્ક્રિયતા દાખવી કામગીરી કરનાર તમામ પીઆઇ, એસીપી તથા ડીસીપી સહિતના અધિકારીઓ સામે પણ લાલ આખ કરી છે. જેમાંથી પહેલી વિકેટ બાપોદ પીઆઇની પડી છે. આગામી દિવસોમાં હજુ બાકીના અધિકારીઓ પર સકંજો કસાઇ તો નવાઇ નહી.બોક્સ- વારસીયામાંથી મોટી માત્રામાં દારૂ પકડાતા પીઆઇ, પીએસઆઇ સહિત પાંચ પોલીસ કર્મીની બદલી થઇ હતી
ગત વર્ષે પણ ઝોન -4માં આવતા વારસીયા વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં પણ વારસીયા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મીની બેદરકારી છતી થઇ હતી. જેથી તત્કાલિન પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ દ્વારા પીઆઇ, પીએસઆઇ સહિત પાંચ પોલીસ કર્મીની બદલી કરી નાખી હતી.