Editorial

વેક્સિન લીધી હોય અને કોરોના થાય તો મોતની શક્યતા એક ટકાથી પણ ઓછી છે

આખા વિશ્વને હચમચાવવાની સાથે અનેક પરિવારોને ઉજાડી નાખનાર કોરોના મહામારીની ત્રીજી લહેરના હવે વળતાં પાણી થઈ ગયા છે. વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા સતત ઘટી રહી છે અને અનેક શહેરો કોરોનામુક્ત થઈ ગયા છે. અનેક રાજ્યોમાં કોરોનાને પગલે લગાડવામાં આવેલા નિયંત્રણો દૂર કરી દેવામાં આવ્યા છે અથવા હળવા કરી દેવામાં આવ્યા છે. કોરોનાની આ મહામારીથી લોકોને બચાવવા માટે જો કોઈ વસ્તુ કામે લાગી હોય તો તે વેક્સિન છે. કોરોનાની વેક્સિન શોધાયા બાદ જેણે-જેણે વેક્સિન લઈ લીધી તેમાં મોટાભાગના કોરોનાથી બચી ગયા છે. વેક્સિન લીધા બાદ કોરોનાનું સંક્રમણ થવાની ઘટનાઓ જરૂરથી બની છે પરંતુ સાથે સાથે વેક્સિન લેનારને કોરોનાના હળવા જ લક્ષણો જણાયા છે. વેક્સિન લીધા બાદ કોરોના થયો હોય તો પણ મોત થયું હોય તેવી ઘટના ભાગ્યે જ જોવા મળી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયના સિનિયર અધિકારીઓ કહી રહ્યા છે કે વેક્સિનના બંને ડોઝ કોરોનાથી મોતને રોકવામાં 99.3 ટકા પ્રભાવી રહ્યા છે. જ્યારે વેક્સિનનો જો એક જ ડોઝ લીધો હોય તો તે કોરોનાથી મોતમાં 98.9 ટકા પ્રભાવી રહ્યો છે. વેક્સિનને કારણે વિશ્વની સાથે ભારત દેશ પણ કોરોનાને ઝડપથી કાબુમાં કરી શક્યો છે.

આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે, આ વર્ષે કોરોનામાં જેના મોત થયા તેમાં 92 ટકા લોકો એવા હતા કે જેમણે વેક્સિન લીધી નહોતી. હાલની સ્થિતિમાં દેશમાં 15થી 18 વર્ષની વય ધરાવતા 74 ટકા કિશોરોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 39 ટકાને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. સરકાર દ્વારા આરોગ્યકર્મીઓને વેક્સિન અપાયાની પ્રભાવી અસર રહી છે. હાલમાં દેશના 29 જિલ્લાઓમાં કોરોનાના સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે. જ્યારે 34 જિલ્લામાં 5થી 10 ટકાની વચ્ચે કોરોના સંક્રમણનો દર છે. હાલમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. જ્યારે મોતની સંખ્યા પણ ઘટી રહી છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસની સંખ્યા એક સમયે જે 25 હજારની આસપાસ પહોંચી ગઈ હતી તે હવે ઘટીને 100 કેસની આસપાસ પહોંચી જવા પામી છે. વેક્સિને જ કોરોનાની મહામારીને દૂર હટાવી તેમ કહેવામાં આવે તે ખોટું નથી.

કેન્દ્ર, રાજ્ય સરકારની સાથે સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા કોરોનાની સામે લડવા માટે વેક્સિનેશનની મોટી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશના પરિણામે મોટાભાગના નાગરિકોને વેક્સિન અપાઈ ચૂકી છે. મોટાભાગનાને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે પરંતુ બીજો ડોઝ લેનારા લોકો ઓછા છે. વેક્સિનેશનની કામગીરી હાલમાં પણ ચાલી જ રહી છે. કોરોનાની મહામારી સામે લડવામાં જે રીતે વેક્સિનને કારણે સફળતા મળી તે જોતા જે લોકો હજુ પણ કોરોનાની વેક્સિન લેવામાં બાકી રહી ગયા હોય તેઓ તાકીદે વેક્સિન લઈ લે તે જરૂરી છે. પહેલો ડોઝ લઈ લીધો હોય અને બીજો ડોઝ બાકી હોય તો બીજો ડોઝ પણ ઝડપથી લઈ લેવામાં આવે.

હાલમાં સરકારી નિ:શુલ્ક વેક્સિન આપી રહી છે પરંતુ આગામી સમયમાં વેક્સિન માટે ચાર્જ આપવો પડી શકે છે. આ સંજોગોમાં જેની વેક્સિન બાકી હોય તે લઈ લે તે જરૂરી છે. કોરોનાની વેક્સિન લીધાની કોઈ આડઅસર હજુ સુધી જોવા મળી નથી. વેક્સિન લીધા બાદ ઈમ્યુનિટીમાં વધારો જ થયો છે. એવું બની શકે કે વેક્સિન લીધાના અમુક સમય બાદ તેની અસર ઓછી થઈ જાય પરંતુ આવા સંજોગોમાં પણ ડોકટરની સલાહ લઈને બુસ્ટર ડોઝ લઈ શકાય. જોકે, સરકારે હજુ સુધી બુસ્ટર ડોઝ સિનિયર સિટિઝનો તેમજ હેલ્થવર્કરો પૂરતો જ સિમિત રાખ્યો છે પરંતુ જો સરકાર દ્વારા છૂટ આપવામાં આવે તો જે તે વ્યક્તિ તબીબની સલાહ તેમજ એન્ટિબોડીનો રિપોર્ટ કરાવીને વેક્સિન લઈ શકે છે. કોરોનાની હજુ સુધી એવી કોઈ અક્સીર દવા શોધી શકાય નથી. આ સંજોગોમાં વેક્સિન જ કોરોના સામે લડવાની એક ચાવી છે તે વાત નક્કી છે.

Most Popular

To Top