સુરત: (Surat) એકબાજુ સુરતમાં કોરોનાનો હાહાકાર ચરમસીમાએ પહોંચ્યો છે. તો બીજી બાજુ કોરોના સામે લડવા માટે એક માત્ર હથિયારસમાન કોવિડની વેક્સિન (Vaccine) મૂકવાની ગતિમાં પણ સુરત મનપા દ્વારા ભારે ગતિ પકડવામાં આવી રહી છે. આગામી 20 દિવસમાં 10 લાખ લોકોને વેક્સિન મૂકવાના ટાર્ગેટ (Target) સાથે કામે લાગેલા મનપાના તંત્રએ માત્ર બે જ દિવસમાં એક લાખથી વધુ લોકોને વેક્સિન મૂકવાનો રેકોર્ડ કર્યો હોવાથી હવે 10 લાખ લોકોને ટૂંક સમયમાં વેક્સિન મૂકી દેવાનો ટાર્ગેટ પૂરો કરવામાં કોઇ તકલીફ હોય તેવું લાગતું નથી.
મનપાનાં સૂત્રોએ જણાવ્યા મુજબ શુક્રવારે મનપાનાં તમામ સેન્ટરો અને વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયેલા કેમ્પના માધ્યમથી 54 હજારથી વધુ લોકોને વેક્સિન મૂકવામાં આવી હતી. તો શનિવારે પણ આટલી જ સંખ્યામાં લોકોને વેક્સિન મૂકી દેવાઇ હોવાથી બે જ દિવસમાં એક લાખથી વધુ લોકોને વેક્સિન મૂકી દેવામાં આવી છે. શહેરમાં 45 વર્ષથી વધુની વય ધરાવતા લોકોનું વેક્સિનેશન શરૂ થતાં જ જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો વેક્સિન મુકાવવા કલાકો સુધી લાઇન લગાવે છે.
નવી સિવિલ હોસ્પિટલમાં વેક્સિન લેવા માટે ધસારો
સુરત : શહેરમાં કોરોનાના વધતા ડર વચ્ચે લોકોએ વેક્સીનને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકારે 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ વેક્સીન આપવાનું નક્કી કરતા સિવિલ હોસ્પિટલમાં લોકોની લાંબી લાઇનો લાગી હતી. શનિવારે સિવિલ હોસ્પિટલમાં 400 થી વધુ લોકોએ વેક્સીન મુકાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તા. 16 જાન્યુઆરી-2021થી સમગ્ર દેશમાં વેક્સીનેશનની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતના સમયમાં માત્ર મેડીકલ, પેરામેડીકલ અને ફ્રન્ટલાઇન વોરિયર્સને વેક્સીન આપવાનું નક્કી કરાયું હતું. પહેલો ડોઝ લીધા બાદ 28 દિવસે બીજો ડોઝ લેવાની ગાઇડલાઇન બહાર પડાઇ હતી. વેક્સીનેશનની કામગીરીને અઢી મહિના ઉપરાંતનો સમય થઇ ગયો છે ત્યારે સરકાર દ્વારા 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ વેક્સીન આપવાનું જાહેર કરાયું છે. હાલમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે વેક્સીન લેવી હિતાવહ હોવાને કારણે લોકો હવે વેક્સીનને મહત્ત્વ આપવા લાગી રહ્યા છે. શનિવારે માત્ર સિવિલ હોસ્પિટલમાં જ 450થી વધુ લોકોએ વેક્સીન લીધી હતી. ડો. બર્મનના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં પણ લોકો વધારે વેક્સીન મુકાવે તેવું લાગી રહ્યું છે. રજાના દિવસોમાં પણ વેક્સીનેશનની કામગીરી ચાલુ જ રહેશે તેમ જાણવા મળ્યું છે.
કોર્ટમાં બે દિવસમાં જ 600થી વધુ વકીલોએ વેક્સીન મુકાવી
સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ બ્રિજેશ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, કોર્ટમાં વકીલો માટે વેક્સીનેશન સેન્ટર શરૂ કરાયું છે. કોર્ટ બિલ્ડીંગના 10માં માળે શરૂ કરાયેલા સેન્ટરમાં માત્ર બે જ દિવસમાં 600થી વધુ વકીલોએ વેક્સીન મુકાવી છે. આગામી દિવસોમાં વકીલોના પરિવારને પણ વેક્સીન આપવામાં આવશે. સોમવારે પણ આ સેન્ટર ચાલુ જ રહેશે તેમ પણ તેઓએ ઉમેર્યું હતું.