દેશમાં અવાર નવાર વેક્સિનને લઈને અલગ અલગ સમાચારો આવે છે. વેક્સિનને લઈને અનેક લોકોની માન્યતાઓ પણ અલગ અલગ છે ત્યારે વેક્સિન બાબતે વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ઓડિશામાં (Odisha) એક 51 વર્ષીય વ્યક્તિને 30 મિનિટની અંદર કોરોના રસીના બે ડોઝ (Vaccine Dose) અપાયા હતા. આટલી ગંભીર ભૂલ અંગે અધિકારીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મયુરભંજ જિલ્લાના રઘુપુર ગામના પ્રસન્ન કુમાર સાહુ શનિવારે ખુન્ટાપુર ખાતેની સત્ય સાંઈ સરકારી હાઈસ્કૂલ ખાતે રસીકરણ શિબિરમાં સ્લોટ બુક કર્યા પછી પ્રથમ ડોઝ માટે ગયા હતા. જ્યારે તેઓ પ્રથમ ડોઝ લઈને 30 મિનિટના અવલોકન સમયની સમાપ્તિની રાહ જોઈ રહ્યાં હતા ત્યારે એક નર્સ (Nurse) આવી હતી અને તેઓ કાંઈ બોલે તે પહેલાં રસીના બીજા ડોઝનું ઇન્જેક્શન (Injection) લગાવી દીધું હતું. સાહુએ કહ્યું કે, મે નર્સને પ્રથમ ડોઝ અંગે જણાવ્યું પરંતુ જે પહેલા તે રસીનો બીજો ડોઝ લગાવી ચૂકી હતી.
રસીકરણ કેન્દ્રના સત્તાવાર નિરીક્ષક રાજેન્દ્ર બેહરાએ દાવો કર્યો હતો કે, આવું ભૂલના કારણે થયું હતુ. કારણ કે સાહુ રસી લીધા બાદ નિરીક્ષણ વિસ્તારમાં બેસવાની જગ્યાએ રસીકરણ વિસ્તારમાં બેઠા હતા. જેથી ભૂલથી તેમને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. નિરીક્ષણ સ્થળ અને વેક્સિનેશન સ્થળ બાબતે ગેરસમજને કારણે આ ઘટના થઈ હતી. જેથી આવા કિસ્સાઓ પણ હવે વેક્સિન લેનારા માટે ધ્યાન રાખવા જેવી બાબત છે. બેટાનાટી કમ્યુનિટી હેલ્થ સેન્ટરના પ્રભારી ડો.સીપુન પાંડાએ જણાવ્યું હતું કે, અમને સાહુની ફરિયાદ અંગે જાણકારી મળી હતી અને નર્સ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય તે પહેલાં એક સમિતિ આ સમગ્ર ઘટનાની તપાસ કરશે.
બેહરાએ જણાવ્યું હતું કે, બીજો ડોઝ લીધા બાદ સાહુને વધુ બે કલાક સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમજ આ દરમિયાન તેમને પીવા માટે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ) આપવામાં આવ્યું હતું. ડો.પાંડાએ કહ્યું કે, સાહુમાં રસીના બે ડોઝના કારણે કોઈ પ્રતિકૂળ અસર નોંધાઈ નથી અને તેઓ સ્વસ્થ છે.