ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમના ત્રીજા અને સૌથી મહત્વપૂર્ણ તબક્કમાં બ્રેક લાગતી જોવા મળી રહી છે. સરકારે 1 મેથી 18 વર્ષથી વધુની લગભગ 81 કરોડની વસ્તીને રસી આપવાની જાહેરાત કરી હતી. પરંતુ, કોરોનાથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને છત્તીસગઢ રાજ્યે રસીકરણ મોકૂફ રાખ્યું છે. આ રાજ્યોએ રસી ડોઝના સપ્લાયમાં વિલંબના કારણે આ નિર્ણય લીધો છે.
રાજસ્થાનમાં રસીકરણ કાર્યક્રમ 15 મેથી શરૂ કરવામાં આવશે, પરંતુ મહારાષ્ટ્ર અને છત્તીસગઢ ક્યારે રસીકરણ શરૂ કરશે તે અંગે કોઈ જાહેરાત કરી નથી. રાજસ્થાન સરકારે કહ્યું હતું કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટને રસીના ઑર્ડર આપવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. સરકારે કહ્યું કે, 3.75 કરોડ ડોઝનો ઑર્ડર આપવામાં આવ્યો હતો. પરંતુ આ ડોઝ ક્યારે મળશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. કેન્દ્રમાંથી પણ રસીનો યોગ્ય જથ્થો મળી રહ્યો નથી જેથી 1 મેથી 18 વર્ષથી વધુની વયન લોકોનું રસીકરણ શક્ય નથી.
મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, અમે 18 વર્ષથી વધુની વય ધરાવતા લોકોને વિના મૂલ્યે રસી આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકાર પાસે 6,500 કરોડન ખર્ચે 6 મહિનાની અંદર 5.71 કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્યાંક છે. પરંતુ 1 મેથી રસીકરણ શરૂ કરવામાં આવશે નહીં, કારણ કે રસીની અછત છે. રસી ઉત્પાદક સીરમ અને ભારત બાયોટેક તરફથી કોઈ પ્રતિક્રિયા મળી રહી નથી.
છત્તીસગઢ રાજ્યના રસીકરણ અધિકારી ડો.અમરસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, સરકારે બંને કંપનીઓ પાસેથી રસીના 25-25 લાખ ડોઝ મંગાવ્યા હતા. બાયોટેક કંપનીનો જવાબ આવી ગયો છે, પરંતુ સીરમ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. જવાબ મળ્યા બાદ સ્પષ્ટ થશે કે, રસીકરણ ક્યારે શરૂ કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે 18 વર્ષથી વધુની વયના લોકોના રસીકરણ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં રસીની ઉપલબ્ધતા, સપ્લાય અને તેની યોજના અંગે ચર્ચા થઈ હતી.