નવી દિલ્હી, તા.14 ભારત સરકાર બીમારીથી પીડિત હોય તેવા 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું રસીકરણ ટૂંક સમયમાં શરૂ કરી શકે છે. જો કે, સંપૂર્ણ રીતે તંદુરસ્ત બાળકોને હાલમાં રસીકરણનો લાભ મળવાની અપેક્ષા નથી. રસીકરણ અંગે સરકારને સલાહ આપતી સમિતિના જણાવ્યાં અનુસાર, હાલમાં દેશમાં 40 કરોડ બાળકો છે. જો દરેકનું રસીકરણ શરૂ કરવામાં આવે તો પહેલાથી ચાલી રહેલ 18 વર્ષથી વધુની વયના રસીકરણને અસર થશે.
પહેલા પુખ્ત વયના લોકોને રસી આપવી જરૂરી છે. નહિતો આવનારા સમયમાં દેશમાં અગાઉના જેવી જ સ્થિતિ ઊભી થઈ શકે છે, જ્યારે લોકોને હોસ્પિટલમાં બેડ માટે ભટકવું પડતું હતું. બાળકોના રસીકરણ અંગેની સમિતિએ ભલામણ કરી છે કે, 12 વર્ષથી વધુની ઉંમરના બાળકો કે જેમને ગંભીર બીમારી છે તેમનું રસીકરણ કરવામાં આવે. જેમાં, કિડની ટ્રાન્સપ્લાન્ટ, જન્મથી કેન્સર રોગથી પીડાતા બાળકો અથવા હૃદય સંબંધિત રોગોથી પીડાતા બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
સમિતિનું માનવું છે કે, દરેક બાળકને શાળાએ મોકલતા પહેલા રસી આપવાની જરૂર નથી.સમિતિના અધ્યક્ષ એન કે અરોરાએ જણાવ્યું હતું કે, સંપૂર્ણપણે સ્વસ્થ બાળકોને હજુ પણ રસીકરણ માટે રાહ જોવી પડશે.