ગાંધીનગર: રાજ્યમાં અત્યારસુધીમાં ૧.૩૪ કરોડ નાગરિકોને વેક્સિનથી કોરોનાથી સુરક્ષિત કરાયા છે. વેક્સિનેશન માટે મુખ્ય સચિવ અનિલ મુકિમના સીધા મોનિટરિંગ હેઠળ સ્ટેટ સ્ટીયરિંગ કમિટી અને આરોગ્ય વિભાગના સ્ટેટ ટાસ્ક ફોર્સ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
ગાંધીનગરમાં સચિવાલયના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યાનુસાર રાજ્યમાં હેલ્થ કેર વર્કસ, ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કસ, ૪૫ વર્ષથી વધુ વયના અને ૧૮ થી ૪૫ વર્ષની વયજૂથની વિવિધ કેટેગરી હેઠળ ૧,૩૪,૭૪,૨૯૬ નાગરિકોને સુરક્ષિત કરાયા છે.
જેમાં ૯,૭૪,૪૦૫ હેલ્થ વર્કર્સ, ૧૭,૦૯,૯૦૩ ફ્રન્ટ લાઈન વૉરિયર્સ જ્યારે ૧,૦૭,૬૬,૯૮૮ વિવિધ વય જૂથના નાગરિકોનો સમાવેશ થાય છે. હાલ રાજ્યના ૭ કોર્પોરેશન જેવા જે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર તથા ૩ જિલ્લા જેવા કે મહેસાણા, કચ્છ અને ભરૂચ કે જ્યાં કોવિડ-૧૯ના એક્ટિવ કેસોની સંખ્યા વધુ છે ત્યાં તા.૦૫.૦૫.૨૦૨૧ સુધીમાં ૧,૯૮,૩૧૩ વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
રાજ્યમાં કોવિડ-૧૯ રસીના સ્ટોરેજ ૬ ઝોન કક્ષાના વેક્સિન સ્ટોર, ૪૧ જિલ્લા, કોર્પોરેશન કક્ષાના સ્ટોર તથા ૨૧૯૫ કોલ્ડ ચેઇન પોઇન્ટ હાલની પરિસ્થિતિએ ઉપલબ્ધ છે. કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૮,૦૦૦ જેટલા વેક્સિનેટર દ્વારા રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.