Sports

કુશ્તીબાજોના સમર્થનમાં મમતા બેનર્જીએ કોલકત્તામાં કેન્ડલ માર્ચ કાઢી

નવી દિલ્હી: ભારતીય રેસલર્સની જાતીય સતામણીના મામલામાં બીજેપી સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલનારા કુસ્તીબાજોએ જંતર-મંતરથી હટાવ્યા બાદ તેમની લડાઈ વધુ તીવ્ર બનાવી હતી. મંગળવારના રોજ તેઓએ જાહેરાત કરી હતી કે તેઓ ગંગાજીમાં પોતાના મેડલો વહાવી દેશે જો કે નરેશ ટિકૈતે રેસલર્સ પાસેથી મેડલો લઈ લીઘા હતા અને તેમણે કેન્દ્ર સરકારને કાર્યવાહી માટે 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું.

ત્યારે હવે રેસલર્સનો સાથ આપવા માટે મમતા બેનર્જી પણ તેઓ સાથે જોડાઈ છે. મમતા બેનર્જીની પાર્ટી TMCએ કોલકત્તાના રસ્તા પર માર્ચ કાઢી હતી. કેન્ડલ માર્ચમાં મમતાએ કહ્યું કે ભાજપના નેતા હોવાના કારણે બ્રિજ ભૂષણની ધરપકડ કરવામાં નથી આવી રહી. આ દેશ માટે શરમની વાત છે. ખેલાડીઓના સમર્થનમાં મમતાએ કહ્યું કે તેઓને ખેલાડીઓ પર ગર્વ છે અને જ્યાર સુધી ખેલાડીઓને ન્યાય ન મળે ત્યાર સુધી આ પ્રદર્શન ચાલુ જ રહેશે.

કુશ્તીબાજોએ તેમના સમર્થનમાં ન આવેલા ખેલાડીઓ સામે પણ પ્રદર્શન ચાલુ કરી દીધુ
આ ઉપરાંત હવે કુશ્તીબાજોએ તેમના સમર્થનમાં ન આવેલા ખેલાડીઓ સામે પણ પ્રદર્શન ચાલુ કરી દીધુ છે. જાણકારી મુજબ યુથ કોંગ્રેસે સચિન તેંડુલકરના ઘરની બહાર પોસ્ટર લગાવ્યા હતા જેમાં રેસલર્સને સમર્થન ન કરવા પર તેઓને જે નારાજગી છે તે વ્યકત કરવામાં આવી છે. પોસ્ટર લાગતાની સાથે જ મુંબઈ પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે.

મહારાષ્ટ્રના નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પણ પહેલવાનોના સમર્થનમાં બોલ્યા છે. તેમણે પીએમ મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ મહિલા કુશ્તીબાજોની માગો પર ધ્યાન આપે.

…તો ભારતીય રેસલર્સે આગામી તમામ મેચો ન્યૂટ્ર્લ ધ્વજ સાથે રમવી પડશે
મંગળવારે આ મામલે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) પણ કુસ્તીબાજોના સમર્થનમાં રહ્યું હતું. UWW તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે અને જો આરોપો સાચા નીકળશે તો WFIને સસ્પેન્ડ કરવામાં આવશે. ત્યારે હવે બુધવારના રોજ UWWએ જાહેરાત કરી છે કે જો WFI સસ્પેંડ થશે તો ભારતીય રેસલર્સે આગામી તમામ મેચો ન્યૂટ્ર્લ ધ્વજ સાથે રમવી પડશે. કોઈ પણ ભારતીય ખેલાડી વર્લ્ડ રેસલિંગ ટુર્નામેન્ટમાં દેશના રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લઈ શકશે નહીં. ઉપરાંત UWWએ જણાવ્યું છે કે આવનારા 45 દિવસમાં ભારતીય કુશ્તી મહાસંઘની ચૂંટણી નહીં થશે તો WFIને આગળની ટુર્નામેન્ટ માટે સસ્પેંડ કરી દેવામાં આવશે.

મારા પર એક પણ આરોપ સાબિત થશે તો મારી જાતને ફાંસી આપીશઃ બ્રિજ ભૂષણ
રેસલર્સ દ્વારા લગાવાયેલા મહિલા રેસલર્સના જાતિય શોષણના આરોપનો સામનો કરી રહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઇ)ના માજી પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે બુધવારે કહ્યું હતું કે જો મારા પરનો એકપણ આરોપ સાબિત થશે તો હું જાતે ફાંસો ખાઇ લઇશ. તેમણે કહ્યું કે તમામ રેસલર્સ મારા બાળકો જેવા છે અને હું તેમને દોષી નહીં ઠેરવું, કારણ કે તેમની સફળતામાં મારો પણ લોહી અને પરસેવો છે. અહીંના રામનગર વિસ્તારના મહાદેવ ઓડિટોરિયમમાં એક કાર્યક્રમને સંબોધતા સિંહે કહ્યું હતું કે હું આજે પણ તેમની સાથે ઊભો છું અને ફરી એકવાર કહું છું કે જો મારા પર એક પણ આરોપ સાબિત થશે તો હું મારી જાતને ફાંસી આપીશ. મારા પર આરોપ લગાવનારા રેસલર્સ ગંગામાં મેડલ વહાવે તેનાથી મને ફાંસી નહીં મશે. જો તમારી પાસે પુરાવા હોય તો કોર્ટમાં આપો અને જો કોર્ટ મને ફાંસી આપે તો હું સ્વીકારી લઇશ.

સગીર યુવતીના કાકાનો દાવો, રેસલર્સે મારા પરિવારને ગેરમાર્ગે દોરી બ્રિજ ભૂષણ પર આરોપ મૂકવા ઉપયોગ કર્યો
બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જે સગીર રેસલર્સનું જાતિય શોષણ કરવાનો આરોપ હેઠળ પોક્સો એક્ટ લાગુ કરાયો છે તે છોકરીના કાકા હોવાનો દાવો કરતાં અમિત પહેલવાને ધરણા પ્રદર્શન કરનારા રેસલર્સ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ મારા પરિવારને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને બ્રિજભૂષણ શરણ સિંહ પર આરોપો લગાવવા માટે મારા પરિવારનો ઉપયોગ કરી રહ્યા છે.

અમિતે દાવો કર્યો હતો કે રેસલર્સે છેતરપિંડી કરીને પોક્સોનો દુરુપયોગ કરવા માટે મારા ભાઈની પુત્રીની ઉંમર બદલીને 16 વર્ષ કરી દીધી છે. તેણે કહ્યું કે મારી ભત્રીજીનો જન્મ 22 ફેબ્રુઆરી 2004ના રોજ થયો હતો. તેણે વધુમાં ઉમેર્યું હતું કે આ રેસલર્સ મારા પરિવારનો ઉપયોગ કરી રહ્યા છે. હું એ સગીર છોકરીના પરિવારનો છું જેને તેઓએ પીડિતા તરીકે વર્ણવી છે. તે મારી ભત્રીજી છે અને હું તેનો કાકો છું. પંજાબના કેટલાક ખેલાડીઓ, સાક્ષી અને વિનેશ મારા ભાઈને ગેરમાર્ગે દોરે છે. તેઓ મગરના આંસુ વહાવી રહ્યા છે. અમને ન્યાય જોઈએ છે.

Most Popular

To Top