યૂપી: મેરઠમાં સાબુ ફેક્ટ્રીમાં વિસ્ફોટ, ચારના દર્દનાક મોત, મકાનો કાટમાળમાં ફેરવાયા – Gujaratmitra Daily Newspaper

National

યૂપી: મેરઠમાં સાબુ ફેક્ટ્રીમાં વિસ્ફોટ, ચારના દર્દનાક મોત, મકાનો કાટમાળમાં ફેરવાયા

નવી દિલ્હી: મંગળવારે સવારે યુપીના (UP) મેરઠમાં (Meerut) સાબુ બનાવવાની ફેક્ટરીમાં (Soap Factory) જોરદાર વિસ્ફોટ (Blast) થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખી ઈમારત ધારાશાયી થઈ ગઈ હતી. આ દરમિયાન કારખાનામાં કામ કરી રહેલા મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત (Death) થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળો અને બચાવ દળ હાજર છે.

મળતી માહિતી મુજબ સમગ્ર મામલો મેરઠના લોહિયાનગર વિસ્તારનો છે. જ્યાં રહેણાંક વિસ્તારમાં સાબુની ફેક્ટરી ચાલતી હતી. આજે વહેલી સવારે જે બિલ્ડિંગમાં ફેક્ટરી ચાલી રહી હતી ત્યાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે આખી ઈમારત કાટમાળમાં ફેરવાઇ ગઈ હતી. અકસ્માત બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વિસ્ફોટના કારણે આસપાસના કેટલાક મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું.

બિલ્ડીંગ ધરાશાયી થતાની સાથે જ લોકોમાં બૂમાબૂમ થઇ હતી. ફેક્ટરીમાં કામ કરતા ઘણા કામદારો કાટમાળ નીચે દટાયા હતા. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડતી થઇ હતી. તરત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લગભગ એક ડઝન લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અત્યાર સુધીમાં ચાર લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ ઘાયલોની સારવાર ચાલી રહી છે.

આ મામલે અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સાબુ બનાવવાના મશીનો અને સાબુનો સ્ટોક વગેરે ઈમારતમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ સ્થાનિક લોકોને શંકા છે કે અહીં સાબુની ફેક્ટરીની આડમાં ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. હાલ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. સમગ્ર સત્ય તપાસ બાદ જ બહાર આવશે. ડીએમએ ફટાકડાની ફેક્ટરી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

Most Popular

To Top