દેહરાદૂનઃ (Dehradun) ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનામાં (Tunnel Accident) ફસાયેલા 41 મજૂરોના જીવ જોખમમાં છે. ઉત્તરકાશીના સિલ્ક્યારા ગામની સુરંગમાં 9 દિવસથી બચાવ અભિયાન (Rescue) ચાલી રહ્યું છે. ભોજન તેમજ અન્ય જીવવા માટે જરૂરી એવી વ્યવસ્થાઓના અભાવમાં અંધારામાં દમ તોડી રહેલા કામદારોની ધીરજ તૂટી રહી છે. આશ્વાસન અને મનોબળ વધારવાના શબ્દો હવે તેમને કામ લાગી રહ્યાં નથી. તેમનો અવાજ પણ નબળો પડવા લાગ્યો છે. હવે તેમણે સવાલો પૂછવાનું શરૂ કરી દીધું છે કે તમે અમને ક્યારે બહાર કાઢશો. દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી સાથે વાત કરી સમગ્ર બચાવ કામગીરીની માહિતી મેળવી હતી.
સિલ્ક્યારા ગામની સુરંગમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની મુદત દિવસેને દિવસે વધી રહી છે. તેઓ દિવાળીના દિવસે ફસાયેલા હતા જ્યારે નિવેદન આવ્યું કે તેમને બહાર કાઢવામાં હજી 72 કલાક લાગશે. 9માં દિવસે રેસ્ક્યુ ટીમનું નિવેદન આવ્યું છે કે કામદારો સુધી પહોંચવા માટે 6 વિકલ્પો પર કામ કરવામાં આવી રહ્યું છે. તેમને બહાર આવતા હજુ બે-અઢી દિવસ લાગશે. જણાવી દઈએ કે મજૂરોને બહાર કાઢવાના પ્રયાસોમાં 200 કલાકથી વધુ સમય થઈ ગયો છે. ધીરજ ખૂટી જાય તે સ્વાભાવિક છે. તેમના પરિવારના સભ્યો સુરંગની બહાર ભૂખ્યા અને તરસ્યા તેમની રાહ જોઈ રહ્યા છે. કોઈનો પતિ, કોઈનો દીકરો તો કોઈનો ભાઈ આ સુરંગમાં ફસાયેલા છે.
4 ઇંચની પાઇપ વડે 41 જીવનને જીવંત રાખવાના પ્રયાસ
આ દરમિયાન બચાવ ટીમ પણ સતત કાર્ય કરી રહી છે. સુરંગમાં ફસાયેલા 41 કામદારોને પાઈપ દ્વારા મમરા, ડ્રાયફ્રૂટ, દવાઓ અને ઓક્સિજન મોકલવામાં આવી રહ્યા છે. હાલ ચાર ઈંચની પાઈપલાઈન કામદારોની સૌથી મોટી આશા છે. ડીહાઈડ્રેશનથી બચવા માટે ઓઆરએસ, વિટામિન બી અને વિટામિન સીની ગોળીઓ તેમના સુધી પહોંચાડવામાં આવી રહી છે. બચાવ ટીમ તેમને ડિપ્રેશન વિરોધી દવાઓ પણ આપી રહી છે જેથી તેઓ મુશ્કેલીમાં તેમનું માનસિક સંતુલન જાળવી શકે. સદ્ભાગ્યની વાત એ છે કે ટનલની અંદરના બે કિલોમીટરના વિસ્તારમાં હજુ પણ વીજ પુરવઠો ચાલુ છે જ્યાંથી કામદારોને પ્રકાશ મળી રહ્યો છે. ટનલના નિર્માણ દરમિયાન ત્યાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી જે આજે મુશ્કેલીમાં રહેલા મજૂરોની તરસ છીપાવી રહી છે. હવે રેસ્ક્યુ ટીમને 6 ઇંચની પાઇપ કામદારો સુધી પહોંચાડવામાં સફળતા મળી છે જેના દ્વારા હવે ફસાયેલા લોકો રોટલી મેળવી શકશે.
વડાપ્રધાને મેળવી રેસ્ક્યૂ કામગીરીની જાણકારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને ફોન કરીને ઉત્તરકાશીના સિલ્ક્યારા પાસે ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરીની માહિતી લીધી હતી. વડાપ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી બચાવ સાધનો અને સંસાધનો આપવામાં આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચેના પરસ્પર સંકલનથી કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે. ફસાયેલા કામદારોનું મનોબળ જાળવી રાખવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી વડાપ્રધાન ત્રણ વખત મુખ્યમંત્રી પાસેથી સ્થિતિ વિશે માહિતી લઈ ચૂક્યા છે. પીએમઓની ટીમે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તેમજ પીએમઓની ટીમ સંકલનનું કામ કરી રહી છે.