દેહરાદૂનઃ (Dehradun) ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનામાં (Tunnel Accident) ફસાયેલા 41 મજૂરોના જીવ જોખમમાં છે. ઉત્તરકાશીના સિલ્ક્યારા ગામની સુરંગમાં 10 દિવસથી બચાવ અભિયાન (Rescue) ચાલી રહ્યુંં છે. સોમવારે મોડી સાંજે ટીમને સફળતા મળી અને બીજી છ ઇંચની ફૂડ પાઇપ કામદારોને પહોંચાડવામાં આવી. મોડી સાંજે ખાવા માટે ખીચડી અને મોબાઈલ ચાર્જ કરવા માટેના ચાર્જર આ પાઈપ દ્વારા મોકલવામાં આવતા હતા.
રેસ્કયૂ ટીમના જણાવ્યા મુજબ બારકોટ છેડેથી સુરંગમાં ડ્રિલિંગનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે THDCની આઠથી 10 લોકોની ટીમ આવી પહોંચી છે. અહીંથી બેથી અઢી મીટર વ્યાસની ટનલ તૈયાર કરવામાં આવશે. ડ્રિલિંગ માટે સ્થાપિત થયેલ જૂનું ઓગર મશીન ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે. જેના કારણે હવે પાંચમી પાઇપ આગળ લઇ જવામાં આવી રહી છે. મશીન ચલાવતી વખતે પણ અંદરથી કંપન અનુભવાય છે. તેથી માત્ર આવશ્યક ઓપરેટરો અને નિષ્ણાતો જ ટનલની અંદર છે.
સોમવારે મજૂરોની હાલત જોવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ અંદરની ધૂળને કારણે સ્પષ્ટ રીતે તસવીરો લઈ શકાઈ ન હતી. હવે દિલ્હીથી એન્ડોસ્કોપિક કેમેરા મંગાવવામાં આવ્યા હતા જે મંગળવારે પાઇપ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા. આ દરમિયાન સુરંગની અંદર ફસાયેલા તમામ 41 મજૂરો કેમેરાથી દેખાતા હતા. દરેક વ્યક્તિ સુરક્ષિત છે. સીએમ ધામીએ પણ ટ્વીટ કરીને સુરંગમાં કેમેરા મોકલવા અંગે માહિતી આપી હતી. તેમણે લખ્યું કે પહેલીવાર ઉત્તરકાશીના સિલ્ક્યારામાં નિર્માણાધીન ટનલમાં ફસાયેલા કામદારોની તસવીર મળી છે. તમામ મજૂર ભાઈઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે, અમે તેમને જલ્દી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ શક્તિથી પ્રયાસ કરી રહ્યા છીએ.
ટનલની અંદર ફસાયેલા મજૂરો માટે રાત્રે ખિચડી મોકલવામાં આવી હતી. તેમજ સાવરે તેમના માટે નાસ્તો તૈયાર કરી આ નાસ્તો તેમને છ ઇંચની નવી ફૂડ પાઇપ દ્વારા મોકલવામાં આવ્યો હતો. જો કે આજે, સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને છ ઇંચની પાઇપ દ્વારા ફળો મોકલવામાં આવ્યા છે. અંદર ફસાયેલા મજૂરોના સંબંધીઓનું કહેવું છે કે તેઓ ખુશ છે કે અંદર ફસાયેલા તમામ લોકો સુરક્ષિત છે અને આજે દસમા દિવસે તેમને ફળો મોકલવામાં આવ્યા છે.