National

ઉત્તરાખંડને મળી પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, PM મોદીએ લીલી ઝંડી બતાવી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) ત્રણ દેશોની મુલાકાત બાદ ગુરુવારે પરત ફર્યા છે. તેઓ આજે દેહરાદૂન અને દિલ્હી વચ્ચે પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને (VandeBharatExpress) લીલી ઝંડી બતાવી શરૂ કરાવી હતી. ત્યાર બાદ આજે સાંજે વડાપ્રધાન ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની (KheloIndiaUniversityGames) ત્રીજી ઈવેન્ટનું ઉદ્ઘાટન પણ કરશે. આ ગેમ્સ 25 મે થી 3 જૂન દરમિયાન યોજાશે.

PM મોદી આજે સવારે 11 વાગ્યે દેહરાદૂનથી દિલ્હી જતી પહેલી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડમાં આ પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બની છે. વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ આ એક્સપ્રેસ ટ્રેન મુસાફરો, ખાસ કરીને રાજ્યની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે.

આ ટ્રેન સંપૂર્ણપણે સ્વદેશી રીતે નિર્મિત છે અને બખ્તર ટેકનોલોજી સહિત તમામ અદ્યતન સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે. વડાપ્રધાન મોદી ઉત્તરાખંડમાં નવા ઈલેક્ટ્રીફાઈડ રેલ લાઈનના સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે. આ સાથે રાજ્યનો સમગ્ર રેલ રૂટ 100 ટકા ઇલેક્ટ્રિફાઇડ થઇ જશે.

દિલ્હી-દહેરાદૂન વંદે ભારત ટ્રેન બુધવાર સિવાય તમામ છ દિવસ ચાલશે. જે દહેરાદૂનથી સવારે 7 વાગ્યે ઉપડશે અને સવારે 11.45 વાગ્યે આનંદ વિહાર ટર્મિનલ પહોંચશે. આ પછી આનંદ વિહારથી સાંજે 5.50 વાગ્યે નીકળીને 10.35 વાગ્યે દેહરાદૂન પહોંચશે. વંદે ભારત ટ્રેન 314 કિલોમીટરની આ યાત્રા 4 કલાક 45 મિનિટમાં કવર કરશે. આ ટ્રેન દિલ્હી અને દેહરાદૂન વચ્ચે દોડનારી સૌથી ઝડપી ટ્રેન હશે. હાલમાં બે શહેરો વચ્ચેનું અંતર કાપવામાં 6 કલાકથી વધુ સમય લાગે છે.

ખેલો ઈન્ડિયા ગેમ્સનું ઉદ્ઘાટન યુપીમાં થશે
PM મોદી આજે સાંજે 7 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022નું ઉદ્ઘાટન કરશે. આ ગેમ્સ 25 મે થી 3 જૂન દરમિયાન યોજાશે. આ ગેમ્સમાં 200થી વધુ યુનિવર્સિટીના 4750થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. તે 21 રમતોમાં ભાગ લેશે. આ ગેમ્સના માસ્કોટનું નામ જીતુ રાખવામાં આવ્યું છે, જે ઉત્તર પ્રદેશના રાજ્ય પ્રાણી બારસિંહનું પ્રતિનિધિત્વ કરે છે. ખેલો ઈન્ડિયા અંતર્ગત વારાણસી, ગોરખપુર, લખનૌ અને ગૌતમ બુદ્ધ નગરમાં સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

Most Popular

To Top