હરિદ્ધાર: ઉત્તરાખંડના (Uttrakhand) હરિદ્વારમાં (Haridwar) વરઘોડામાં ડાન્સ કરી રહેલા જાનૈયાઓ પર સ્કોર્પિયો દ્વારા કચડી નાખવાનો મામલો સામે આવ્યો છે. આ અકસ્માતનો હચમચાવી દેનાર એક વીડિયો પણ સામે આવ્યો છે. આ અકસ્માતમાં એકનું મોત થયું છે અને 31 લોકો ઘાયલ થયા છે. બે લોકોની હાલત ગંભીર હોવાને કારણે તેમને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને તેને માર માર્યો હતો. તેમનું કહેવું છે કે ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાઈ ગયું હતું. ઘટના સ્થળે પહોંચી પોલીસે આરોપી કાર ચાલકને કસ્ટડીમાં લીધો હતો.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત હરિદ્વારના બહાદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો હતો. શુક્રવારે રાત્રે અહીં લગ્નનો વરઘોડો નીકળી હતો. ત્યારે લગ્નની જાનમાં કેટલાક જાનૈયાઓ ડીજેની તાલે રોડ પર ડાન્સ કરી રહ્યા હતા. ડાન્સનો વીડિયો ઉતારી રહેલા કેટલાક જાનૈયાના ફોનમાં દુર્ઘટના કેદ થઈ જવા પામી હતી. અકસ્માતનો આ વીડિયો તમે જોઈ શકો તેમ રસ્તા પર લગ્નના એક વરઘોડો કેટલાક જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા છે. ત્યારે અચાનક જ પૂરપાટે આવતી એક કાર વરઘોડમાં નાચી રહેલા જાનૈયાઓ પર ફરી રહી છે. હજી આ ઘટનાને કોઈ સમજે તે પહેલા જ કાર કેટલાક લોકોને કચડીને આગળ નીકળી જાય છે. માત્ર સાત જ સેકન્ડના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ફૂલ સ્પીડે આવેલી સફેદ રંગની સ્કોર્પિયો 35થી 40 લોકોને કચડી નાખે છે. ઘટના એટલી ઝડપથી બને છે કે કોઈને બચવાની તક પણ મળતી નથી.
એકનું મોત, 31 ઘાયલ, આરોપી કાર ચાલકની ધરપકડ
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ જાનૈયાઓને કચડી નાખનાર સ્કોર્પિયો ચાલકને માર માર્યો હતો. ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતમાં એક યુવકને તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે 31 જેટલા લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર આપવામાં આવી હતી. કેટલાકને નાની-મોટી ઇજાઓ થતાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી. સાથે જ બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે હાયર સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે. લોકોના મારથી સ્કોર્પિયો ચાલકને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
બ્રેકને બદલે એક્સિલરેટર દબાવી દીધું
આ અકસ્માત સર્જાયા બાદ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી. જો કે સ્થાનિકો દ્વારા માર મારતા ડ્રાઈવરને પણ હોસ્પિટલ ખસેડાયો હતો, ત્યારે આ અકસ્માત મામલે સ્કોર્પિયો ડ્રાઈવરનું કહેવું છે કે લગ્નનો વરઘોડો જોઈને કાર રોકવાનો પ્રયાસ કરતી વખતે તેણે બ્રેકને બદલે એક્સીલેટર પર પગ મૂક્યો અને તેના કારણે આ ઘટના બની હતી. સાથે જ ડ્રાઈવરે દારૂના નશામાં ડ્રાઈવિંગ કર્યું હોવાની પણ કબૂલાત કરી છે. હાલ પોલીસે કાર ચાલક સામે ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.