તાજેતરમાં મારે બે માસ પૂર્વ આવેલ એક સમાચાર ચકાસવા માટે વર્તમાનપત્રની જરૂર હતી. રહેઠાણ નજીક એક વાંચનાલયમાં ગયો. ત્યાનાં કર્મચારીએ બે મિનીટ કરતા ઓછા સમયમાં જે તે તારીખનું વર્તમાનપત્ર મને આપ્યું. મારું કામ પૂરૂ થયુ મને ખૂબ આનંદ થયો. ત્યાંથી નીકળતા સ્હેજે મારી નજર રૂમમાં પડી, ખૂબ શિસ્તબદ્ધ રીતે યુવાનો ત્યાં અભ્યાસ કરતા હતા. પાર્કીંગમાં વાહનો લાઈનસર ગોઠવાયેલા, ઝાડ નીચે અનેક મહાનુભવો વિશેની વિગત જોવા મળી. મને ખૂબ સંતોષ થયો તેથી વધુ વિગત મેળવવાનો પ્રયાસ કર્યો મહાનગરપાલિકા સંચાલિત કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલયના ગ્રંથપાલ સપનભાઈ શાહ પાસેથી વિગત મેળવી. સુરતમાં કુલ 102 જેટલા વાંચનાલયો છે, બધા જ વાંચનાલયોમાં 12 જેટલા દૈનિક વર્તમાનપત્ર તથા વીસેક જેટલા મેગેઝીન આવે છે.
હજી ચાર જેટલા પુસ્તકાલયો નર્મદ લાયબ્રેરી જેવા નવા બની રહ્યા છે. વાંચન માટે કોઇ ફી લેવામાં આવતી નથી. વર્ષે કુલ 20 લાખ જેટલા આ વાંચનાલયનો લાભ લે છે. સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી વિના મૂલ્યે કોઇપણ નાગરિક આ સુવિધાનો લાભ લઇ શકે. આ લાભ વધુને વધુ લોકો લેતા રહે તે ખૂબ જરૂરી છે. તાજેતરમાં જ નવાપરા ગોલવાડ કાંટા વિસ્તારમાં કાંટાની વાડમાં શ્રી વિદ્યાર્થી કેળવણી સંઘ સુરત દ્વારા શહેરને એક નવા વાંચનાલયની ભેટ મળી. આ ઉપરાંત મંડળો કે ટ્રસ્ટો દ્વારા સંચાલિત વાંચનાલયો પણ સુરત ખાતે કાર્યરત છે. સુરતનાં પ્રબુદ્ધજનો વધુને વધુ વાંચનાલયોનો લાભ લે તથા સુરત મહાનગરપાલિકાના આ પ્રસંશનીય કાર્યની નોંધ લઈએ.
સુરત – સુધીર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મફતની રેવડી
દિલ્હીમાં ઘણાં વર્ષો બાદ બહુમતીથી ભાજપ સરકાર આવી જે સંદર્ભમાં ચૂંટણી ઢંઢેરામાં ૨૫૦૦/- રૂા. અને ગેસ સિલીન્ડર આપવાની યોજના જાહેર કરી હતી. સુપ્રિમ કોર્ટે અનેક વાર ચેતવણી આપી છતાં દરેક પક્ષો ઢંઢેરામાં પ્રજાના ટેક્ષના પૈસા વેડફવા માટે ચૂંટણી વચનો આપે છે. જેને આપણા વડા પ્રધાને મફતની રેવડીનું નામ આપ્યું છે. એમના પક્ષ તરફથી જાહેર કરેલી યોજના તેમના પક્ષના ફંડમાંથી અથવા સંસદસભ્ય, ધારાસભ્ય, કોર્પોરેટરના પગારમાંથી આપવાના હતા? અહેવાલ મુજબ તો હજી સિલીન્ડર કે રોકડા જનતા સુધી પહોંચ્યા નથી. દરેક પક્ષો આગલી સરકાર તિજોરી ખાલી કરી ગઈ છે એવાં બહાનાં કાઢી યોજનાને ભુલાવી દેવાની કોશિશ કરે છે. લોકશાહીમાં લોકો સર્વોપરી હોવાથી જાગૃત થઈ જુઠ્ઠાં લોકો પાસે જવાબ માંગે તે પહેલાં જાગૃત થઈ જશો.
સુરત – કમુદચંદ્ર કે. જરીવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
