સાયણ: (Sayan) વ્યાજનાં (Interest) વિષચક્રનાં ચક્કરમાં ફસાયેલાં મૂળ સાયણના રહીશ અને સુરતની કિરણ મોટર્સના (Kiran Moters) વર્કશોપ મેનેજર ચિરાગ શર્માએ સુરતના શાહુકાર કેતન દેસાઈ વિરૂધ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ થયો છે. ઓલપાડ પોલીસ મથકમાં છેલ્લા ત્રણ દિવસમાં વ્યાજખાઉ (Usury) શાહુકારો સામે આ ત્રીજી ફરિયાદ નોંધાતા વ્યાજખાધરા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.
- કિરણ મોટરના વર્કશોપ મેનેજર દ્વારા ધમકીઓ આપતા વ્યાજખોર સામે ઓલપાડ પોલીસમાં ફરિયાદ
- મેનેજર ચિરાગ શર્માને સુરતના શાહુકર કેતન દેસાઈ સતત ધમકી આપતાં હતા કે તારો રૂપિયા 3 લાખનો ચેક હું મારા બેંક ખાતામાં નાંખી બાઉન્સ કરાવી તારા પર કોર્ટ કેસ કરીશ
પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઓલપાડના દેલાડ પાટીયા,સાયણ નજીકની શિવધારા રેસીડેન્સીનાં મકાન નંબર-૧૦૪માં ચિરાગ મહેશ શર્મા(ઉ.વ.૩૨)રહે છે. તે છેલ્લાં સાત વર્ષથી સુરત શહેર ખાતે કિરણ મોટર્સમાં વર્કશોપ મેનેજર તરીકે નોકરી કરે છે. તેણે સને-૨૦૧૮ની સાલમાં નોકરીનાં કામ અર્થે પૈસાની જરૂર હોવાથી તાલુકાનાં માધર ગામે રહેતા તેના મિત્ર ભરત દેસાઇ દ્વારા કેતન દેસાઇ (રહે.૧૦૦૨,મરક્યુરી એપાર્ટમેન્ટ,રાજહંસ સિનેમાની સામે,પાલ-હજીરા રોડ,સુરત શહેર)પાસેથી રૂ.૩ લાખની રકમ માસિક ૩% નાં દરે વ્યાજે લીઘી હતી. જોકે રૂપિયાની સેફટી મામલે તે સમયે કેતન દેસાઇએ વ્યાજે આપેલ રકમ પેટે ચિરાગ શર્મા પાસેથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા,ખંભાત શાખાનો રૂ.૩ લાખનો ચેક પણ લખાવી લીધો હતો.
જયારે ચિરાગ શર્માએ કેતન દેસાઇને રૂ.૩ લાખનું માસિક ૩% લેખે વ્યાજ તથા મુદ્દલની રકમ તેના મિત્ર રોનક અરવિંદ રાણા (રહે.ટોરેન્ટ પાવર ઓફીસની પાસે,ખોડીયાર ચોકડી,વસ્તા દેવડી રોડ કતારગામ,સુરત)દ્વારા ઉપરાંત ગુગલ પેથી નિયમિત ચૂકવતા હતા. આમ, ચિરાગ શર્માએ કેતન દેસાઇને મુદ્દલ તથા વ્યાજ પેટે કુલ રૂ.૪.૩૨ લાખ જેટલી રકમ ચુકવી હોવા છતાં કેતન દેસાઇ તેની પાસે અવાર-નવાર ફોન કરી વધુ વ્યાજ અને મુદ્દલ રકમની માંગણી કરી તેને ગંદી ગાળો આપતો હતો. જયારે કેતન દેસાઈએ તેને ધમકી પણ આપી હતી કે,મારી પાસે તારો બેંકનો રૂ.૩ નો ચેક જમા છે. જેથી જો તું હવે વ્યાજ નહિં આપે તો હું તારો ચેક મારા બેંક ખાતામાં નાંખી બાઉન્સ કરાવી તારા ઉપર કોર્ટમાં કેસ કરી દઇશ. જેથી ચિરાગ શર્માએ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેનાં પગલે પોલીસે કેતન દેસાઇ વિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.