પ્રખ્યાત તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈને 73 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. ઉસ્તાદ ઝાકિર હુસૈનનું આજે તા. 16 ડિસેમ્બરને સોમવારે સવારે હૃદય અને ફેફસા સંબંધિત બિમારીઓને કારણે અમેરિકામાં નિધન થયું હતું. તે લાંબા સમયથી બીમાર હતો, જેના કારણે તેણે તેના ઘણા કોન્સર્ટ કેન્સલ કર્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રી છે.
ઝાકીર હુસૈને એક કથક નૃત્યાંગના સાથે લગ્ન કર્યા હતા. તેમના પિતા અલ્લાહ રખા પણ પ્રખ્યાત તબલા વાદક હતા. ઉસ્તાદ ઝાકિર હુસૈનના પિતાનો જન્મ જમ્મુ અને કાશ્મીરમાં થયો હતો. તેઓ એક ભારતીય તબલાવાદક હતા. તેમણે તબલા વગાડવાની કળાને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનાવી હતી. અલ્લાહ રખાનો જન્મ લશ્કરી પરિવારમાં થયો હતો. અલ્લાહ રખા તેના સાત ભાઈઓમાં સૌથી મોટા હતા. તેમના પિતા (ઉસ્તાદ ઝાકિર હુસૈનના દાદા) ઇચ્છતા ન હતા કે અલ્લા રખા સંગીત શીખે.
12 વર્ષની ઉંમરે પહેલીવાર તબલા જોયા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે ઉસ્તાદ ઝાકિર હુસૈનના પિતા અલ્લાહ રખા 12 વર્ષના હતા ત્યારે તેઓ તેમના કાકાને મળવા ગુરદાસપુર આવ્યા હતા. અહીં તેણે પહેલીવાર તબલા જોયા હતા. અલ્લાહ રખાને તે બહુ પસંદ પડ્યા હતા. ત્યાર બાદ તેઓ સંગીત શીખવા માટે પંજાબ સ્કૂલ ઑફ ક્લાસિકલ મ્યુઝિક (ઘરાણા)માં ગયા.
તેઓ ઉસ્તાદ મિયાં ખાદરબખ્શ પખાવજીના શિષ્ય હતા. તબલા પ્રત્યેની તેમની ઊંડી રુચિએ તેમને મહાન તબલાવાદક બનાવ્યા. તેમણે થોડો સમય પઠાણકોટની એક થિયેટર કંપનીમાં પણ કામ કર્યું હતું.
પિતાએ બે વાર લગ્ન કર્યા હતા
ઝાકીર હુસૈનના પિતાએ બે લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ લગ્ન બાવી બેગમ સાથે થયા હતા અને તેમને ત્રણ પુત્રો, ઝાકિર હુસૈન, ફઝલ કુરેશી અને તૌફિક કુરેશી અને બે પુત્રીઓ ખુર્શીદ ઓલિયા અને રઝિયા હતા. તેમના બીજા લગ્ન ઝીનત બેગમ સાથે થયા હતા. જેમને એક પુત્રી રૂહી બાનો અને પુત્ર સાબીર હતો. રૂહી બાનુ 1980ના દાયકાની લોકપ્રિય ટીવી અભિનેત્રી હતી.
ઉસ્તાદ ઝાકિર હુસૈનનો પરિવાર
1978માં ઝાકિર હુસૈને કથક નૃત્યાંગના એન્ટોનિયા મિનીકોલા સાથે લગ્ન કર્યા. તે ઈટાલિયન હતી અને તેની મેનેજર પણ હતી. જ્યારે તે ડાન્સ શીખી રહી હતી ત્યારે તે કેલિફોર્નિયામાં ઝાકિર હુસૈનને મળી હતી. તેમને બે દીકરીઓ છે, અનીસા કુરેશી અને ઈસાબેલા કુરેશી. ઝાકિર હુસૈનની મોટી દીકરી અનીસા ફિલ્મ નિર્માતા છે. જ્યારે નાની દીકરી ઈસાબેલા ડાન્સની ટ્રેનિંગ લઈ રહી છે.
ઝાકિર હુસૈનનું પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઈકલ સ્કૂલમાંથી થયું હતું. આ સિવાય તેણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ઉસ્તાદ ઝાકિર હુસૈને ભારતમાં તેમજ વિદેશમાં ફિલ્મો અને આલ્બમ્સમાં કામ કર્યું હતું. તે તેની કારકિર્દી માટે તેના પિતાનો આભાર માને છે, જેમણે ખાતરી કરી કે તેણે આર્ટ ફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.