ન્યુયોર્ક : સ્પેનના (Spain) સ્ટાર ટેનિસ ખેલાડી (Tennis Player) રાફેલ નડાલના વિજય અભિયાનને અટકાવીને ફ્રાન્સિસ ટિયાફોએ પ્રથમ વખત યુએસ ઓપન (US Open) ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ટિયાફોએ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ્સમાં રાફેલ નડાલના 22-મેચથી ચાલતા આવેલા વિજય અભિયાનને અટકાવી દીધું હતું. ટિયાફોએ આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલી ચોથા રાઉન્ડની મેચમાં નડાલને 6-4, 4-6, 6-4, 6-3થી હરાવ્યો હતો.
ટિયાફો પોતાના વિજયથી અભિભૂત થયો હતો અને તેણે કહ્યું હતું કે મને લાગ્યું કે દુનિયા અટકી ગઈ છે, એક મિનિટ સુધી મને કશું સંભળાતું નહોતું. ટિયાફો હાલ 24 વર્ષનો છે અને તેને યુએસ ઓપનમાં 22મો ક્રમાંક આપવામાં આવ્યો છે. એન્ડી રોડિક (2006) પછી આ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર તે સૌથી યુવા અમેરિકન ખેલાડી બન્યો છે. ટિયાફો હવે આન્દ્રે રૂબલેવ સામે ટકરાશે, જેણે સાતમા ક્રમાંકિત કેમરન નોરીને 6-4, 6-4, 6-4થી હરાવ્યો હતો.
દરમિયાન અન્ય એક મેચમાં 11મા ક્રમાંકિત યાનિક સિનરે ઇલ્યા ઇવાશ્કાને પાંચ સેટની મેચમાં 6-1, 5-7, 6-2, 4-6, 6-3થી હરાવ્યો હતો.
મહિલા વિભાગમાં ટોચની ક્રમાંકિત ઇંગા સ્વીટકે જુલ નેમિયરને 2-6, 6-4, 6-0થી હરાવી પ્રથમ સેટ ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરી હતી. તે પ્રથમ વખત ફ્લશિંગ મીડોઝ ખાતે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. સ્વીટેક હવે આઠમી ક્રમાંકિત જેસિકા પેગુલા સામે ટકરાશે, જેણે બે વખતની વિમ્બલડન ચેમ્પિયન પેટ્રા ક્વિટોવાને 6-3, 6-2થી હરાવી હતી. મહિલા વિભાગમાં બીજી ક્વાર્ટર ફાઈનલ કેરોલિના પ્લિસકોવા અને છઠ્ઠી ક્રમાંકિત આર્યના સબાલેન્કા વચ્ચે રમાશે.
નડાલ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટમાં છેલ્લી 22 મેચથી અજેય હતો
નડાલે આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન અને જૂનમાં ફ્રેન્ચ ઓપન જીતી હતી. ત્યારપછી તેણે જુલાઈમાં વિમ્બલડનની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો પરંતુ હેમસ્ટ્રિંગ ખેંચાઇ જતા તે ટુર્નામેન્ટમાંથી ખસી ગયો હતો. યુએસ ઓપનમાં ચાર વખત ચેમ્પિયન બનેલો નડાલ ત્યારથી માત્ર એક જ ટુર્નામેન્ટમાં રમ્યો છે.
2000 પછી પહેલીવાર યુએસ ઓપનમાં ટોચના બે ક્રમાંકિત ક્વાર્ટર ફાઇનલ પહેલા આઉટ
યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નોમેન્ટના ઇતિહાસમાં 2000 પછી એવું પહેલીવાર બનશે કે જ્યારે ટેનિસ વિશ્વના પુરૂષ વિભાગના બે ટોચના ખેલાડીઓ અંતિમ 8 રાઉન્ડ પહેલા જ સ્પર્ધામાંથી આઉટ થઇ ગયા છે, અગાઉ 2000માં રમાયેલી યુએસ ઓપનમાં આવું બન્યું હતું કે જેમાં ટોચના બે ક્રમાંકિત ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી શક્યા નહોતા. નંબર વન દાનિલ મેદવેદેવને સોમવારે નિક કિર્ગિઓસે હરાવ્યો હતો અને હવે મંગળવારે ફ્રાન્સિસ ટિયાફોને હાથે હારીને નડાલ આઉટ થયો છે.