અમદાવાદ: અમદાવાદ ટેસ્ટનો પ્રથમ દિવસ ઉસ્માન ખ્વાજાના નામે હતો. ઉસ્માન ખ્વાજાએ શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને બેકફૂટ પર લાવી દીધી છે. પ્રથમ દિવસની રમત પૂરી થયા બાદ ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે 255 રન બનાવ્યા હતા. ખ્વાજા 104 અને કેમરન ગ્રીન 49 રન બનાવીને અણનમ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે 4 મેચની સીરીઝની આ છેલ્લી અને મહત્વપૂર્ણ મેચ છે. હાલમાં ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમત પૂરી થયા બાદ ચાર વિકેટે 255 રન બનાવી લીધા છે. ઉસ્માન ખ્વાજાએ શાનદાર સદી ફટકારી હતી. ઉસ્માન ખ્વાજા 104 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. આ દરમિયાન ખ્વાજાએ 251 બોલનો સામનો કર્યો અને 15 ચોગ્ગા ફટકાર્યા. આ સાથે જ કેમરૂન ગ્રીને 64 બોલમાં 49 રન બનાવ્યા છે. ગ્રીને પોતાની ઇનિંગમાં આઠ ચોગ્ગા ફટકાર્યા છે. બંને ખેલાડીઓ વચ્ચે અત્યાર સુધી 85 રનની ભાગીદારી થઈ છે.
વિકેટ કીપર કે.એસ. ભરતે આસાન કેચ છોડતા ટ્રોલ થયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થઈ ગઈ છે, જેમાં બન્ને દેશના PMની હાજરીમાં ટૉસ થયો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડ છઠ્ઠી ઓવરમાં જીવનદાન મળ્યું હતું. વિકેટકીપર કેએસ ભરતે ઉમેશ યાદવના બોલ પર તેનો કેચ છોડ્યો હતો. જેના લીધે ભરતને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યો હતો. ચાહકોએ પંતને યાદ કર્યો હતો. જ્યારે કેટલાંક ઈશાન કિશનને તક આપવાની સલાહ પણ આપી દીધી હતી. જોકે આ પછી અશ્વિને ટીમને પહેલી સફળતા અપાવી હતી. તેણે ટ્રેવિસ હેડને 32 રને આઉટ કર્યો હતો. તો 3 રને માર્નસ લાબુશેન પણ આઉટ થયો હતો. તેને શમીએ બોલ્ડ કર્યો હતો. ટી બ્ સુધીમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 75/2 હતો. ખ્વાજા અને સ્મિથે ટીમની ઇનિંગને સંભાળી છે. ઉસ્માન ખ્વાજાએ 22મી ટેસ્ટ ફિફ્ટી ફટકારી છે. આ સિરીઝની તેની ત્રીજી ફિફ્ટી છે. ખ્વાજા અને સ્મિથ વચ્ચે 50+ રનની પાર્ટનરશિપ થઈ હતી.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ.
ઓસ્ટ્રેલિયાની ટીમઃ ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ (સી), પીટર હેન્ડ્સકોમ્બ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટમાં), મિશેલ સ્ટાર્ક, ટોડ મર્ફી, મેથ્યુ કુહનમેન અને નાથન લિયોન.