કેન્દ્રીય વાહન પરિવહન મંત્રી નિતિન ગડકરી લાંબા સમયથી દેશમાં ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકયા કરે છે. તાજેતરમાં તેમણે ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહયું કે હું આગામી સમયમાં મારા વિભાગમાં બધા જ વાહનો ફરજીયાત ઇલેકટ્રીક કરી દઇશ. તેનાથી પ્રદૂષણ ઘટશે અને પેટ્રોલિયમનો વપરાશ પણ ઘટશે. ગો ઇલેકટ્રીક કમ્પેઇન લોંચ કરતી વખતે તેમણે કહયું કે ભારતમાં ઇલેકટ્રીક વાહનો ઉપરાંત ઇલેકટ્રીક કૂકિંગ બાબતે પણ જાગૃતિ લાવવાની જરૂર છે.
ગડકરીએ એક ઉદાહરણ આપતા જણાવ્યું કે ધારો કે દિલ્હીમાં 10 હજાર ઇલેકટ્રીક વાહનો ચાલતા હોય તો તેનાથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે. સાથે સાથે દર મહિને પેટ્રોલ ડિઝલ પાછળ ખર્ચાતા 30 કરોડ રૂપિયા પણ બચાવી શકાશે. તેમણે ખેતી ક્ષેત્રે વપરાતા ટ્રેકટર સહિતના વાહનો ઇલેકટ્રીકલ કરવા પર પણ ભાર મૂકયો છે. ગડકરી ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા પર ભાર મુકવાની સાથે સાથે તેમણે પોતાના મત વિસ્તારમાં નાગપુરમાં પણ પોતે સરકારી બુલેટ પ્રૂફ કારને બદલે ઇલેકટ્રીક કારનો જ ઉપયોગ કરશે તેવો નિર્ણય પણ જાહેર કર્યો છે.
કેન્દ્ર સરકાર અને રાજય સરકારોએ લોકો ઇલેકટ્રીક વાહનો અને ઇલેકટ્રીક ઉપકરણોનો વધુને વધુ ઉપયોગ કરતા થાય તે માટે યોગ્ય ઘટતા પગલા તાકીદે લેવા જોઇએ. પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહયા છે ત્યારે પેટ્રોલ ડિઝલના ભાવ વધારાથી બચવા અને તેનો ઉપયોગ ઓછો કરવા માટે ઇલેકટ્રીક વાહનો મોટો વિકલ્પ બની શકે તેમ છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.