Charchapatra

રામ નામના ધ્વજનો ઉપયોગ અને જાળવણી

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રામભકિતમાં લીન બનેલ પ્રજાએ રામનામના ભગવા પર રામ ગલી ગલી, ઘરો ઉપર અને વાહનો ઉપર લગાવ્યાં હતાં. તે હજુ એ જ જગ્યાએ જોવા મળી રહ્યાં છે. લોકોની ધાર્મિક લાગણી ઘણા દિવસો પછી પણ જીવંત છે. પરંતુ જો એ ધ્વજ પવન અથવા કોઇ અન્ય કારણે ફાટી તૂટીને રસ્તામાં રઝળતા થાય તો ધાર્મિક લાગણી દુભાય એ પણ એટલું જ સત્ય છે. આ માટે સુરતીઓએ અનોખી પહેલ શરૂ કરી છે. આ બધા ભગવા ધ્વજ એકત્ર કરી એમાંથી બેગ બનાવવામાં આવશે. જેમાં ધાર્મિક પુસ્તકો, પ્રાર્થના, માળા કે પૂજાપો રાખી શકાશે. આ ધજાના કલેકશન માટે શહેરના 17 એરિયામાં બોકસ મૂકવામાં આવ્યા છે.

એકત્ર થયેલ ધજામાંથી વિકલાંગ છોકરાઓ અને જરૂરિયાતમંદ બહેનોને બેગ બનાવવાનું કામ અપાશે, જેનું તેઓને વળતર ચુકવાશે. આ રીતે જરૂરિયાતમંદને આર્થિક સહાય થશે અને ધજાનો સારો ઉપયોગ પણ થઇ જશે. આ બેગ તૈયાર થઇ ગયા પછી મંદિરની બહાર પુજાપાની સામગ્રી અને ફૂલ વેચવાની દુકાનોમાં આપી દેવાશે. દુકાનવાળા તેના ગ્રાહકોને પૂજાની સામગ્રી અને પ્રસાદ રાખવા બેગ આપશે. આ અંગેની વિશેષ માહિતી 2 ફેબ્રુઆરીની સીટી પલ્સ પૂર્તિમાં આપી છે. ધ્વજ લગાવીને પ્રાણપ્રતિષ્ઠા અને હિન્દુ ધર્મની લાગણીને ઉજવનાર પ્રજાએ હવે ભગવા ધ્વજ ઉતારીને સલામત જગ્યાએ રાખવામાં અને તેનો ફરી યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય એ હેતુને સિધ્ધ કરવામાં પહેલ કરવાની જરૂર છે.
અમરોલી            – પાયલ વી. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રોઝ ડેનું મહત્ત્વ
પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી, કિન્તુ વેલેન્ટાઈન વિક એ પ્રેમના તહેવારનો પ્રથમ દિવસ હોવાથી રોઝ ડેનું મહત્ત્વ  વધારે છે. અલબત્ત  કોઈને પ્રેમ કરતાં હો  તો  ફૂલ અચૂક આપવું જોઈએ કેમ કે કેટલીક વખતે ફૂલો તે વાત કહે છે, જે જીભ નથી કહી શકતી અને તેમાં વેલેન્ટાઈન વીકનો પહેલો દિવસ રોઝ ડે હોય અને તેવા અવસર પર પ્રેમી યુગલો એકબીજાને ફૂલ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

યુગલો આખા વર્ષ દરમિયાન રોમેન્ટિક વીક એટલે કે વેલેન્ટાઈન વીકની રાહ આતુરતાથી જોતા હોય છે અને 7મી ફેબ્રુઆરી રોઝ ડેના રોજ એકબીજાને ગુલાબ અથવા અન્ય ફૂલો આપે છે. આમ રોઝ ડે ઉજવવા પાછળની હકીકત શું છે? અને કેમ ઉજવાય છે રોઝ ડે?  વાસ્તવમાં રોઝ ડેની ઉજવણી અંગે એક દંત કથા છે. ગ્રીક પૌરાણિક કથામાં ગુલાબ પ્રેમની દેવી શુક્રનું પ્રિય ફૂલ હતું.  ROSE (રોઝ)ના અક્ષરોને યોગ્ય રીતે ગોઠવો તો તે ‘EROS’ (ઈરોસ)બની જાય છે જે ગ્રીક પૌરાણિક કથા અનુસાર પ્રેમનો દેવ છે.
સુરત     -સુનીલ રાજેન્દ્ર બર્મન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top