તેની ઉન્નતિની કહાણીમાં હું પણ છું, હવે જોવાનું એ છે કે એ સંભળાવે ક્યાંથી છે. કોઈની સફળતામાં તમારું પણ યોગદાન હોય તો એ સફળતાની કહાણી જયારે એ સંભળાવે એ ક્યાંથી શરૂ કરે તેના પર આધાર રહે છે. એવું બને કે તેની સફળતાની કહાણીમાં તમારો ઉલ્લેખ નહીં પણ આવે. કોઈની સફળતા કે ઉન્નતિ (તરક્કીયોં)માં તમારી ભૂમિકા ભલે હોય પરંતુ એ વાત ક્યાંથી શરૂ કરે તેના પર બધો મદાર રહે. ઘણી વ્યકિતઓ પોતાની ઉન્નતિમાં યોગદાન આપનારા બધા લોકોનો ઉલ્લેખ કરતા નથી. ઘણી વાર તો જેના કારણે પ્રગતિ થઈ હોય કે જેની મદદથી જીવનમાં આગળ વધીને એક મુકામ હાંસિલ કર્યો હોય તેવી વ્યકિતને જ ભૂલી જવાય છે.
કેટલીક વખત જાણી જોઈને એવી વ્યકિતને યાદ કરવામાં આવતી નથી જે ખરેખર તમારી ઉન્નતિ માટે મદદગાર હોય. ઘણી વખત સંજોગો એવા હોય કે સફળતાની સ્ટોરી એવા વળાંકથી જ શરૂ કરવામાં આવે જ્યાં કેટલાક લોકોનો ઉલ્લેખ કરવો નહીં પડે. આમ ઘણી સફળતાની કહાણીઓ એવી હોય છે જેમાં કેટલાક નામ ભૂલી જવાતા હોય છે. એક વ્યકિત કે એક સંસ્થાની સફળતાની કે ઉન્નતિની કહાણીમાં ઘણાં લોકોનો ભોગ હોય છે. ગગનચુંબી ઇમારતના પાયામાં પણ ઘણા પથ્થર હોય છે જે દેખાતા નથી. પરંતુ એ ઇમારત જેના સહારે ઊભી છે તે પાયો તો છે જ. આવા ઘણા પાયાના પથ્થરને ઊંચી ઇમારત બન્યા બાદ ભૂલી જવાતા હોય છે. સફળ લોકોની કહાણીમાં આવા પથ્થરોને કોઈ યાદ કરે છે, તો કોઈ ભૂલી પણ જાય છે. સફળતા મળ્યા બાદ ઘણાં લોકો સાથ આપનારાને ભૂલતા નથી. તો કેટલાક લોકોની ફિતરત જ એવી હોય છે કે સાથ આપનારાઓને ઉન્નતિ મળ્યા બાદ જાણી જોઈને બાજુ પર મૂકી દેવામાં આવે છે. અહીં સુધી કે એવા પાયાના પથ્થરનો તેમની સફળતાની કહાણીમાં ક્યાંક ઉલ્લેખ પણ કરતા નથી. સફળ વ્યકિતઓની ઉન્નતિની કહાણીમાં ઘણાં પ્રકરણ રહી જતા હોય છે. કેટલાક કિસ્સામાં જાણી જોઈને ભૂલી જવાતા હોય છે.