રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. તાજેતરના દિવસોમાં રશિયાએ યુક્રેનમાં હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર રશિયાને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે જો યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે 50 દિવસમાં કોઈ કરાર નહીં થાય તો તેઓ રશિયા પર કડક ટેરિફ લાદશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ‘ઓવલ ઓફિસ’માં નાટો સેક્રેટરી જનરલ માર્ક રૂટ સાથેની મુલાકાત દરમિયાન આ જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “જો 50 દિવસમાં કોઈ કરાર નહીં થાય તો અમે ખૂબ જ કડક ટેરિફ લાદીશું.” તેમણે ટેરિફ કેવી રીતે લાગુ કરવામાં આવશે તે સમજાવ્યું નહીં. ટ્રમ્પે કહ્યું, “હું ઘણી વસ્તુઓ માટે વેપારનો ઉપયોગ કરું છું પરંતુ, યુદ્ધોને ઉકેલવા માટે આ એક ખૂબ જ સારું પગલું છે.”
ટ્રમ્પે કોને ‘સરમુખત્યાર’ કહ્યા?
ટ્રમ્પ લાંબા સમયથી પુતિન સાથેના તેમના મૈત્રીપૂર્ણ સંબંધોના વખાણ કરી રહ્યા છે અને જાન્યુઆરીમાં પદ સંભાળ્યા પછી તેમણે ઘણી વખત કહ્યું છે કે રશિયા યુક્રેન કરતાં શાંતિ કરાર માટે વધુ વલણ ધરાવે છે. ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી પર યુદ્ધ લંબાવવાનો આરોપ લગાવ્યો અને તેમને ‘સરમુખત્યાર’ પણ કહ્યા. જોકે યુક્રેનના રહેણાંક વિસ્તારો પર રશિયાના સતત હુમલાઓ બાદ ટ્રમ્પે રશિયા પર નિશાન સાધ્યું છે.
આ દરમિયાન, યુક્રેન અને રશિયા માટે ટ્રમ્પના ખાસ દૂત સોમવારે કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળ્યા. ઝેલેન્સ્કીએ કહ્યું કે તેમણે અને ટ્રમ્પના દૂત, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ કીથ કેલોગ, યુક્રેનિયન હવાઈ સંરક્ષણને મજબૂત બનાવવા, સંયુક્ત શસ્ત્રોનું ઉત્પાદન અને યુરોપિયન દેશો સાથે મળીને અમેરિકન શસ્ત્રોની ખરીદી તેમજ રશિયા પર કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની શક્યતા અંગે અર્થપૂર્ણ વાતચીત કરી હતી.
યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ટેલિગ્રામ પર કહ્યું, “અમને યુએસ નેતૃત્વમાં આશા છે, કારણ કે તે સ્પષ્ટ છે કે જ્યાં સુધી રશિયા તેની મહત્વાકાંક્ષાઓને બળ દ્વારા રોકવામાં નહીં આવે ત્યાં સુધી તે અટકશે નહીં.” રશિયાએ રાજધાની કિવ સહિત યુક્રેનિયન શહેરો પર સેંકડો ડ્રોન ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે જેનો સામનો કરવા માટે યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલી સંઘર્ષ કરી રહી છે.