World

અમેરિકી દળો પાછા ખેંચાયા: તાલિબાને વિજય જાહેર કર્યો

આજે આખરી મહેતલ મુજબ અમેરિકાના સૈનિકો સંપૂર્ણપણે અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા અને તે સાથે બદરી નામના તાલિબાનોના સ્પેશ્યલ ફોર્સીસે કાબુલ એરપોર્ટ પર વિજયી પરેડ કરી હતી અને તાલિબાન સંગઠને અફઘાન યુદ્ધમાં પોતાના વિજયની ઘોષણા કરી હતી.

અમેરિકી સૈનિકોની છેલ્લી ટુકડી આજે અફઘાનિસ્તાન છોડીને રવાના થઇ ગઇ હતી અને તે સાથે અમેરિકાનું લશ્કર અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણપણે પાછું ખેંચી લેવાયું છે. અમેરિકી દળો સંપૂર્ણ રવાના થવાની સાથે જ તાલિબાને પોતાના વિજયની જાહેરાત કરી હતી અને અફઘાનિસ્તાનમાં ઠેર ઠેર તાલિબાન કાર્યકરોએ વિજય કૂચ કરી હતી.

ખાસ કરીને કાબુલ એરપોર્ટ પર તાલિબાનોના સ્પેશ્યલ ફોર્સ બદરી-૩૧૩ની પરેડ યોજાઇ હતી. આ સ્પેશ્યલ ફોર્સીસની સાથે પરંપરાગત પાઘડી પહેરેલા તાલિબાનોના કેટલાક ટોચના નેતાઓ પણ કાબુલ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. કાબુલ એરપોર્ટના ટર્મેક પરથી તાલિબાનના વિજયની ઘોષણા કરતા આ સંગઠનના એક નેતા ઝબીહુલ્લાહ મુજાહિદે ૩૧ ઓગસ્ટના દિવસને એક ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે અમે આ દેશને એક મહાસત્તાની ચુંગાલમાંથી આઝાદી અપાવી છે. તેમણે ત્યાં ભેગા થયેલા તાલિબાન લડવૈયાઓને કહ્યું હતું કે હવે તમારા માથે મોટી જવાબદારી છે. આ દેશે લાંબા યુદ્ધમાં ઘણુ સહન કર્યું છે અને હવે લોકોમાં ધીરજ નથી, તમારે સારો વર્તાવ કરવાનો છે.

તાલીબાનની વિજય કૂચો જોવા ભલે હજારો લોકો ઉમટી પડ્યા હોય પણ બધા જ અફઘાનો કંઇ આ વિજયથી ખુશ છે તેવું નથી. ભંગારની ફેરી ફરતા એક ગરીબ અફઘાને કહ્યું હતું કે અમેરિકા ગયું અને તાલિબાન આવ્યું, મને કોઇ ફરક પડતો નથી. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને વિશ્લેષકો કહે છે કે ૩ કરોડ ૮૦ લાખની વસ્તીવાળા આ દેશને સારું શાસન આપવાનું કામ તાલિબાન માટે પડકારભર્યું હશે. છેલ્લા કેટલાક વર્ષમાં અફઘાનિસ્તાનની આર્થિક હાલત ખૂબ કથળી ગઇ છે અને હવે તાલિબાનો અફઘાનિસ્તાનને ફરી પાટે ચડાવી શકશે કે કેમ? તે બાબતે કેટલાક નિરીક્ષકોને શંકા છે.

તાલિબાન સ્પેશ્યલ ફોર્સીસે આકર્ષણ જમાવ્યું
તાલિબાન સંગઠનના સ્પેશ્યલ ફોર્સીસે આજે કાબુલ એરપોર્ટ પર પરેડ કરી હતી. આ સ્પેશ્યલ ફોર્સીસ એક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પરંપરાગત તાલિબાની પાઘડીવાળા પોષાકના બદલે આ બદરી-૩૧૩ નામના આ ફોર્સના સૈનિકો હેલ્મેટ, સન ગ્લાસિસ અને લશ્કરી પોષાકથી સજ્જ છે. આ ખાસ દળ તૈયાર કરવામાં તાલિબાનને પાકિસ્તાની લશ્કરે મદદ કરી હોવાનું કહેવાય છે. આ સૈનિકો પાસે અમેરિકન શસ્ત્રો જ હોવાનું કહેવાય છે.

Most Popular

To Top