Comments

અમેરિકન કોંગ્રેસની પેનલ દ્વારા ટ્રમ્પ પર બળવાના આરોપની ભલામણ

અમેરિકામાં લગભગ બે વર્ષથી ડેમોક્રેટ્સ ડોનાલ્ડ ટ્રમ્પ અને અત્યંત જમણેરી રિપબ્લિકનને ‘વિદ્રોહવાદી’ગણાવતા રહ્યા છે. હવે, કેપિટોલ પર ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના ​​રોજ થયેલા હુમલાની તપાસ કરતી કોંગ્રેસની પેનલે ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ પરના બળવાના આરોપોની ઔપચારિક ભલામણ કરી છે. ડેમોક્રેટિકની આગેવાની હેઠળની સમિતિએ ફોજદારી રેફરલ્સ જાહેર કર્યા છે. સમિતિએ ટ્રમ્પ પર ચૂંટણીમાં છેતરપિંડીના ખોટા દાવાઓ કરીને તેમના સમર્થકોને ધારાસભામાં ધસી આવવા અને હુલ્લડો કરવા ઉશ્કેરવાનો આરોપ મૂક્યો છે.

ટ્રમ્પ અને તેમના સમર્થકોએ ૨૦૨૦ની ચૂંટણીમાં છેતરપિંડી થઈ હોવાનો પાયાવિહોણો દાવો કર્યા પછી રાષ્ટ્રપતિ જો બિડેનની જીતના પ્રમાણપત્રને રોકવાના પ્રયાસમાં કેપિટોલમાં તોડફોડ કરી હતી. ડેમોક્રેટિક કોંગ્રેસમેન જેમી રાસ્કિને પેનલની ભલામણોની રૂપરેખા આપી અને હુમલાના માસ્ટરમાઇન્ડ્સ પર કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આપણી ન્યાયપ્રણાલી એવી નથી, જ્યાં માત્ર પ્યાદા જેલમાં જાય અને માસ્ટરમાઇન્ડ બચી જાય. જો કે સમિતિનાં મંતવ્યો ન્યાય વિભાગને પ્રભાવિત કરે તે જરૂરી નથી. ન્યાય વિભાગ સ્વતંત્ર રીતે પોતાનો ચુકાદો આપશે.

પેનલની ભલામણોના જવાબમાં ટ્રમ્પે તમામ ગેરરીતિઓને નકારી કાઢી છે અને નિરાધારપણે આગ્રહ કરવાનું ચાલુ રાખ્યું છે કે તેમની ૨૦૨૦ની હાર પાછળ વ્યાપક ચૂંટણી ગેરનીતિઓ હતી. ટ્રમ્પના કેટલાક કટ્ટર સમર્થકો તેમના બચાવમાં આવ્યા છે, જ્યારે રિપબ્લિકન પાર્ટીનાં અન્ય લોકો આ બાબતે મૌન રહ્યાં છે. ૨૦૨૪માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો દાવો કરી રહેલા ટ્રમ્પ વિરુદ્ધ પેનલે સર્વસંમતિથી ચાર ફોજદારી આરોપો- સત્તાવાર કાર્યવાહીમાં અવરોધ, અમેરિકાને છેતરવાનું કાવતરું, ફેડરલ સરકારને ખોટું નિવેદન આપવાનું કાવતરું, બળવાની ઉશ્કેરણી અને મદદ -ની ભલામણ કરવા માટે મત આપ્યો હતો. ભલામણો કાયદેસર રીતે બંધનકર્તા નથી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને દોષિત ઠેરવવા કે કેમ તે ન્યાય વિભાગ પર નિર્ભર રહેશે.

૬ જાન્યુઆરીની ઘટનામાં સત્તાવાર કાર્યવાહીમાં અવરોધ દેખીતો અપરાધ છે. આ રમખાણોનો હેતુ કોંગ્રેસના સંયુક્ત સત્રને વિક્ષેપિત કરવાનો હતો જે ૨૦૨૦ની ચૂંટણીમાં બિડેનની જીતને પ્રમાણિત કરી રહ્યું હતું. ટ્રમ્પે ૧૯ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ ટ્વિટરના માધ્યમથી ૬ઠ્ઠી જાન્યુઆરીએ વોશિંગ્ટનમાં મોટો વિરોધ કરવા હાજર રહેવા લોકોને ઉશ્કેર્યાં હતાં. કેટલાક સાક્ષીઓએ પણ પુષ્ટિ કરી હતી કે ટ્રમ્પ ૬ જાન્યુઆરીના રોજ કેપિટોલમાં પોતે પ્રદર્શનકારીઓમાં જોડાવા માગતા હતા, પરંતુ સુરક્ષાનાં કારણોસર સિક્રેટ સર્વિસ એજન્ટ્સ દ્વારા તેમ કરવાથી અટકાવવામાં આવ્યા હતા.

વિદ્રોહને ઉશ્કેરવો અથવા મદદ કરવી એ સૌથી ગંભીર ગુનો છે. વિદ્રોહનો અર્થ સરકાર સામે બળવો થાય છે. જે વ્યક્તિ અમેરિકાની સત્તા અથવા તેના કાયદાઓ સામે કોઈ પણ બળવાને ઉશ્કેરે છે, મદદ કરે છે અથવા તેમાં સામેલ થાય છે, તે દંડ અથવા દસ વર્ષથી વધુ કેદની સજા અથવા બંને થઈ શકે છે. અને તે કોઈ પણ સરકારી હોદ્દો નહીં રાખી શકે.
રાસ્કિને જણાવ્યું હતું કે ટ્રમ્પે ૬ જાન્યુઆરીએ સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણને વિક્ષેપિત કરવાના હેતુસર તોફાનીઓને મદદ કરી અને પ્રોત્સાહન આપ્યું તે અંગેના જરૂરી કરતાં વધુ પુરાવા પેનલે એકત્રિત કર્યા છે.

ટ્રમ્પ સામે ફોજદારી કેસ અભૂતપૂર્વ હશે. અન્ય કોઈ ભૂતપૂર્વ યુએસ પ્રમુખે ફોજદારી આરોપોનો સામનો કર્યો નથી. ઉપરાંત, ૬ જાન્યુઆરીના આરોપી હુલ્લડખોરોમાંથી કોઈની પણ ઉપર વિદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો નથી, જો કે જમણેરી જૂથ પ્રાઉડ બોયઝના સભ્યો પર રાજદ્રોહના આરોપો માટે ટ્રાયલ ચાલી રહી છે. ટ્રમ્પને દોષિત માનીને તેમની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવો કે નહીં એ નિર્ણય હવે ન્યાય વિભાગ કરશે પણ જો ટ્રમ્પ પર લાગેલા આરોપો પુરવાર થાય તો ટ્રમ્પ બાકીનું જીવન જેલમાં જ વિતાવે એવી પૂરી શક્યતા છે. ટ્રમ્પે ૨૦૨૪ની ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું જેને હાલ તો ધક્કો વાગ્યો છે. રિપબ્લિકન પાર્ટી પણ ટ્રમ્પનો વિકલ્પ ચકાસવાનું શરૂ કરે એવી પૂરી શક્યતા છે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top