Business

અમેરિકા, ચીન અને ભારતના ફુગાવાના દર નક્કી કરશે કે ભારતીય શેરબજારમાં તેજી ચાલુ રહેશે કે રૂંધાશે

છેલ્લા કેટલાક સમયથી ભારતીય સહિત વૈશ્વિક બજારોમાં ફુગાવાના ઉંચા દરના કારણે કરેકશનનો દોર ચાલતો જોવા મળ્યો હતો અને વૈશ્વિક બજારોમાં લગભગ 10 ટકા કે તેથી વધુનું કરેકશન જોવા મળી ગયું છે. જે છેલ્લા બે સપ્તાહથી રીકવરી મોડમાં ચાલી રહ્યું છે. અમેરિકાની આગેવાની હેઠળ વૈશ્વિક બજારોમાં ઝડપી રીકવરી થતી જોવા મળી રહી છે. ખાસ કરીને ફેડરલ રિઝર્વની બેઠકમાં ફેડરેટમાં 75 બેસીસ પોઇન્ટનો વધારો કરાયો છે, પરંતુ ફેડ ચેરમેને આર્થિક મંદી તરફ અમેરિકા ધકેલાતું જઇ રહ્યું છે, તેને ફગાવી દીધું હતું અને અમેરિકામાં કોઇ આર્થિક મંદીના ઓછાયા દેખાતા નથી. જેના લીધે આવનારા સમયમાં વ્યાજદરની આક્રમકતા પણ નરમ પડી શકે છે. આમ, અમેરિકામાં મંદી નહિં હોવાના ફેડરલ રિઝર્વના દાવાના પગલે અમેરિકાની પાછળ વૈશ્વિક બજારોમાં શાર્પ યુ ટર્ન માર્યો હતો અને બજારો ફરીથી તેજી તરફી રૂખ અપનાવતા જોવા મળ્યા હતા.

ત્યારબાદ બેન્ક ઓફ ઇગ્લેન્ડે પણ ઉંચા ફુગાવાના દરને લીધે 50 બેસીસ પોઇન્ટના વ્યાજદરમાં વધારો કર્યો છે અને ભારતીય રિઝર્વ બેન્કે પણ મોનીટરી પોલીસીમાં વધુ 50 બેસીસ પોઇન્ટનો વધારો કરી દીધો છે. જોકે, આ તમામ વ્યાજદરના વધારા પાછળનું મુખ્ય કારણ ફુગાવાનો દર છે. હાલમાં અમેરિકા, યુકે કે યુરોપ તથા ભારત હોય તમામ ફુગાવાના ઉંચા દરની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. આ સંજોગોમાં ફુગાવાના દરને નીચે લાવવો તે જ સેન્ટ્રલ બેન્કોનું ફોકસ બની ગયું છે. અમેરિકાના ફેડરલ રિઝર્વના ચેરપર્સનની સારી કોમેન્ટ્રી અને ગાઇડન્સને જોઇએ તો અમેરિકામાં મંદી નથી.

બીજી તરફ, ઓપેકની બેઠક મળી હતી અને આ બેઠકમાં અમેરિકામાં મંદીના વાદળ ઘેરાયેલા જોવા મળી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તેના લીધે ક્રુડ ઓઇલના ભાવોમાં કડાકો બોલાયો હતો અને 100 ડોલર પ્રતિ બેરલની નીચે સરકતો જોવા મળ્યો છે. આ ઉપરાંત, ઓપેક દ્વારા વધુ એક લાખ બેરલ પ્રતિ દિન ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે. જ્યારે અમેરિકામાં ઓઇલનો પુરવઠો વધતો જોવા મળ્યો છે, જેની અસર ક્રુડ ઓઇલના ભાવમાં જોવા મળી હતી. આ તમામ પાસાંઓને જોતાં શેરબજારમાં આગામી ચાલ કેવી રહેશે, તે રોકાણકારોને મુંઝવતા જોવા મળ્યા છે. હાલની સ્થિતિએ જોઇએ તો શેરબજારમાં રોકાણ કરનારાઓ તમામ પાસાંઓને બાજુંમાં રાખીને માત્રને માત્ર ફુગાવાના દર તરફ નજર રાખે. જો ફુગાવાનો દર ઘટાડા તરફી ચાલ દર્શાવશે તો શેરબજારમાં સુધારાની ચાલ ચાલુ રહેશે, નહિંતર ફુગાવો શેરબજારની તેજીને રૂંધી શકે છે.

ભારતીય શેરબજારમાં પણ આવનારા સમયમાં જુલાઇ મહિનાનો ફુગાવાનો દર જાહેર થનારો છે. રિઝર્વ બેન્કે ફુગાવાના દરને યથાવત રાખ્યો છે, પરંતુ વ્યાજદર વધાર્યા પછી તેમનો આશાવાદ છે કે, છુટક ફુગાવાનો દર 6 ટકાની નીચે આવે, જે લક્ષ્યાંક પુરો થાય તો વ્યાજદરમાં વધારાની ચાલને બ્રેક વાગી શકે છે અને શેરબજારમાં પુરપાટ તેજી આવી શકે છે. જોકે, ભારતની સાથે સાથે અમેરિકા અને ચીનના ફુગાવાના દરનું પણ એટલું જ મહત્વનું છે. આ ફુગાવો કાબુમાં નહિં આવે તો શેરબજારમાં કરેકશન આવી શકે છે. આમ, તમામ પાસાંઓમાં સૌથી અગત્યનું પાસું ફુગાવાનો દર છે. જેની ઉપર રોકાણકારો નજર રાખીને બેઠા છે.

છેલ્લા કેટલાક સમયથી વિશ્વની મોટા ભાગની સેન્ટ્રલ બેન્કો ફુગાવાના દરને કાબુમાં લાવવા માટે સતત વ્યાજદરમાં વધારો કરી રહ્યા છે, નિષ્ણાંતો માને છે કે ફુગાવાને નાથવા માટે વ્યાજદરમાં વધારો એ એક જ માત્ર રામબાણ છે અને આ રામબાણની અસર ધીમી ગતિએ થતી હોય છે. જેથી આગામી કવાર્ટર સુધીમાં વ્યાજદરના વધારાની અસર ફુગાવા ઉપર જોવાની શરૂ થઇ શકે છે. જેથી હજુય એક કવાર્ટર સુધી શેરબજારમાં બેઉતરફી વધઘટ રહી શકે છે. ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી લાર્જકેપ શેરોમાં ભારે કરેકશન જોવા મળ્યું છે. જેમાં ખાસ કરીને આઇટી-ટેકનો શેરોમાં ભારે કરેકશન આવ્યું છે, જેથી આ સેકટરમાં નીચલા સ્તરેથી તેજીના મંડાણ થયા છે અને આવનારા સમયમાં આ તેજી ચાલુ રહી શકે છે. જે રીતે એફઆઇઆઇ ફરીથી ભારતીય શેરબજાર તરફ વળ્યા છે અને ચોખ્ખી ખરીદી કરી રહ્યા છે, તેને જોતાં જે લાર્જકેપ શેરોમાં સૌથી વધુ કડાકો બોલાયો છે, તે શેરોમાં નવેસરથી તેજી આવી શકે છે, તેવું દેખાઇ રહ્યું છે, જેમાં આઇટી સેકટર અગ્રેસર રહેશે.

Most Popular

To Top