Business

રશિયાની રફ ડાયમંડ કંપની પર અમેરિકાએ પ્રતિબંધ મુકતા સુરત-મુંબઈનો હીરાઉદ્યોગ સંકટમાં મુકાયો

સુરત: યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની (UkraineRussiaWar) અસર રહી રહીને હવે સુરત-મુંબઈના હીરા ઉદ્યોગ (Diamond Industry) પર દેખાઈ રહી છે. તાજેતરમાં અમેરિકા (America) દ્વારા રશિયાની એક રફ ડાયમંડ સપ્લાયર (Rough Diamond) કંપની પર પ્રતિબંધ (Ban) મુકી દેવામાં આવતા હીરાઉદ્યોગકારોના જીવ અદ્ધર થઈ ગયા છે. વિશ્વમાં 30 ટકા જેટલા મોટા જથ્થામાં રફ ડાયમંડનો સપ્લાય કરતી આ કંપની પર પ્રતિબંધનો અર્થ છે કે આગામી દિવસોમાં રફની અછત સર્જાવા સાથે તેની કિંમતોમાં મોટા પ્રમાણમાં વધારે થશે. હાલમાં પેમેન્ટ ક્રાઈસિસનો (Payment crisis ) સામનો કરી રહેલાં હીરા ઉદ્યોગ માટે મુશ્કેલીઓ વધે તેવા સંજોગો ઉભા થયા હોય GJEPC (જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા તાત્કાલિક ગુજરાત સરકારને (Gujarat Government) દરમિયાનગીરી કરવા રજૂઆત કરી દેવાઈ છે.

  • યુક્રેન પર રશિયાના હુમલા બાદ રફ ડાયમંડની સપ્લાયર કંપની અલરોસા પર મૂકાયેલા પ્રતિબંધને કારણે સુરતના હીરા ઉદ્યોગમાં પેમેન્ટ ક્રાઇસીસ
  • હીરા ઉદ્યોગની ક્રાઇસિસને લીધે ગુજરાતના આર્થિક વિકાસમાં સહયોગ આપતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 15 લાખથી વધુ લોકો નાણાંભીડમાં મુકાશે

એક નિવેદનમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન અને હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ આંતરરાષ્ટ્રીયસ્તરે હીરા ઉદ્યોગમાં કાચા હીરાનો સપ્લાય ખોરંભાયો હતો. પરંતુ ત્યાર બાદ તાજેતરમાં અમેરીકાએ રશિયાની ડાયમંડ સપ્લાયર કંપની અલરોસા પર પ્રતિબંધ મૂકી દેતા સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત સર્જાવાનો ભય ઉભો થયો છે. અલરોસા કંપની વિશ્વમાં 30 ટકા જેટલા જથ્થામાં કાચા હીરાનો સપ્લાય કરે છે, તેના સૌથી મોટા ગ્રાહકોમાં સુરત, મુંબઇના હીરા ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. હવે મુંબઇ-ગુજરાતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત વર્તાશે અને તેના ભાવો અસાધારણ રીતે વધી જવાની શક્યતા જોવાઈ રહી છે. બીજી તરફ કાચા હીરાને સમાંતર તૈયાર હીરાના ભાવો પણ આ જ કારણથી ઊંચકાશે જેને લઇને સમગ્ર હીરા બજારમાં મંદીનો માહોલ પણ સર્જાવાની ભીતિ છે.

દિનેશ નાવડીયાએ કહ્યું કે આટલું ઓછું હોય તેમ હીરા ઉદ્યોગે હાલમાં પેમેન્ટ ક્રાઇસિસનો પણ સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ વિશ્વની મોટા ભાગની કંપનીઓએ રશિયાની કંપનીના બેંકીંગ વ્યવહારો સ્થગિત કરી દીધા છે. ભારતના હીરા ઉદ્યોગપતિઓ દુબઇ, બેલ્જિયમ તેમજ ભારતની જ કેટલીક પ્રાઇવેટ સેક્ટર બેંક થકી પેમેન્ટ કરીને કાચા હીરાનો સપ્લાય મેળવી શક્તા હતા. પરંતુ, કેટલાક દિવસોથી દુબઇ, બેલ્જિયમ અને ભારતની બેંકોમાંથી થતાં પેમેન્ટ પણ બંધ થયા હોઇ હીરા ઉદ્યોગપતિઓ મોટી મુશ્કેલીમાં મુકાયા છે.

ભારત અને રશિયા વચ્ચે રૂપિયા-રૂબલમાં આર્થિક વ્યવહારો થવા જોઇએ એવી વાતો છેલ્લા પખવાડીયાથી થઇ રહી છે પરંતુ, હજુ સુધી આ દિશામાં કોઇ નક્કર નિર્ણય જાહેર થયો નથી. આથી હીરા ઉદ્યોગકારો ઇચ્છે તો પણ કાચા હીરાની ખરીદી કરી શકે તેવી સ્થિતિમાં નથી.

દિનેશ નાવડીયાએ જણાવ્યું કે સુરત, સૌરાષ્ટ્રમાં વિકસેલા હીરા ઉદ્યોગમાં આવી પડેલી આ વિકટ પરિસ્થિતિને કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 15 લાખથી વધુ લોકોને સીધી અથવા આડકતરી રીતે અસર પહોંચે તેમ છે. આ પરિસ્થિતિ લાંબું ચાલશે તો ગુજરાતના અર્થતંત્રને પણ વિપરીત અસર થશે. આગામી ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે આવી સ્થિતમાં દિનેશ નાવડીયાએ ગુજરાત સરકારને અપીલ કરી છે કે સરકારે દરમિયાનગીરી કરીને હીરા ઉદ્યોગને ક્રાઇસીસમાંથી ઉગારવા માટે તાકીદના પગલાં ભરવા જોઇએ.

Most Popular

To Top