યુવાનો, મોબાઇલ સાથેના રાત્રીના ઉજાગરા બંધ કરો
છેલ્લા કેટલાક સમયથી યુવાનોના અચાનક કસમયનાં મૃત્યુ થાય છે, જે એક ચિંતાનો વિષય બની ગયો છે. એનાં કેટલાંક મહત્ત્વનાં કારણો પૈકી એક એવું પણ કારણ બહાર આવ્યું છે, જેનાથી યુવાનોએ તાકીદે જાગૃત થઇ જવાની જરૂર છે. રોજની દિનચર્યા મુજબ તેઓની રાતની ઊંઘ પૂરતી લેવાતી નથી. મોબાઇલનો ચેપી રોગ લાગુ પડી ગયો છે. પોતાના ક્ષેત્રમાં આઠ દસ કલાકની ફરજ અદા કરી રાત્રે ઘરે આવીને જમી પરવારીને પહેલાં એકાદ બે કલાક પરિવાર સાથે ટી.વી. પર મનોરંજન કરતા હતા. એના બદલે છેલ્લા કેટલાક સમયથી હવે તેઓ પોતાના રૂમમાં ભરાઇને મોડી રાત સુધી મોબાઇલ સાથે રમત રમતા થઇ ગયા છે. તેમાં સમયનું ભાન રહેતું નથી. રાત્રીના બે ત્રણ વાગ્યા સુધી આ ખેલ ચાલ્યા કરે છે. એ બાબતમાં વડીલોનું પણ સાંભળતા નથી.
પાછળથી એની વિપરીત અસર ચોક્કસ એમના કાર્યક્ષેત્રમાં જરૂર પડે છે. દિવસ દરમિયાન તાણનો અનુભવ કરે છે. ઝોકાં ખાય છે. આની આદતનું પ્રમાણ વધતું જાય છે. કેટલાક યુવાનો ગુટખાના રવાડે ચઢી જાય છે. કેટલાક ધૂમ્રપાન કરતાં થઇ જાય છે. લાંબા ગાળે આ બધું શરીરને નુકસાન કરે છે. આવી રીતની ઝડપી જિંદગીમાં તમે નિયમમાં નહીં રહો, સંયમ નહીં જાળવો તો કયારેક નહીં ધારેલું બની જાય છે. યમ તમારી પાછળ પડી જાય છે. કુદરતની વિરુધ્ધની જીવનશૈલીની દિનચર્યા ભારે નુકસાન કરી જાય છે. એની સીધી અસર નાજુક હૃદય પર પડે છે. ઉપરવાળાએ રાત્રી ઊંઘ માટે આપી છે. પૂરતી ઊંઘ લેવાથી તમે સ્વસ્થ રહો છો.
કાર્યક્ષેત્રમાં તમારી ફરજ જવાબદારી આસાનીથી અદા કરી શકો છો. યુવાનો, હજુ પણ મોડું થયું નથી. સંયમ અને નિયમમાં જીવતાં શીખી જાવ. એમાં તમારું અને તમારા પરિવારનું કલ્યાણ છે. મનુષ્ય અવતાર આવી બેદરકારી રાખીને વેડફી નહીં નંખાય. મોબાઇલ સાથેની સંગત મસ્તી મર્યાદામાં સારી, એની સાથેની એકાદ કલાકની મૈત્રી સારી, પછી એને એના સ્થાન પર મૂકીને વહેલાં સૂઇ જાવ. વહેલાં ઊઠી જાવ. પછી જો જો તમારી સવાર સુધરી જશે. દિવસ સુધરી જશે. સાથે તમારું જીવન પણ સુધરી જશે એની ગેરંટી.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.