સુરતઃ જાણીતા પર્યાવરણવાદી અને ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ તેમજ સુરતની એસવીએનઆઈટીના સંશોધકો દ્વારા સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં સુરત જેવા મહાનગરોમાં અર્બન ફોરેસ્ટના મહત્વ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રેસ કોન્ફરન્સ એસવીએનઆઈટીના એક સંશોધનને આધારે યોજવામાં આવી હતી. આ સંશોધનમાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલા શહીદ સ્મૃતિવન (જે અર્બન ફોરેસ્ટ છે) પર ત્રણ મહિના સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ફોરેસ્ટનું નિર્માણ ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ ફોરેસ્ટના કારણે ઉધના વિસ્તારની હવામાં રહેલા ઝેરી તત્ત્વો જેવા કે PM10 અને PM2.5માં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ સંદર્ભમાં વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, દિલ્હી અને લાહોર જેવા શહેરોની હાલત જોતાં સ્પષ્ટ છે કે આપણે વધુને વધુ અર્બન ફોરેસ્ટ બનાવવા પર ધ્યાન આપવું જોઈએ. આનાથી શહેરોના પ્રદૂષણને ઘટાડવામાં મદદ મળશે અને શહેરોનું તાપમાન પણ ઘટાડવામાં મદદ મળશે.
સંશોધન યુગ્મી પટેલે જણાવ્યું હતું કે, શહીદ સ્મૃતિવનમાં જે વૃક્ષોની પસંદગી કરવામાં આવી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અર્બન ફોરેસ્ટ બનાવતી વખતે સ્થાનિક પ્રજાતિના વૃક્ષોની પસંદગી કરવી જોઈએ. અમારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે શહીદ સ્મૃતિવનમાં PM10ના સ્તરમાં 18.85% અને PM2.5ના સ્તરમાં 10.66%નો ઘટાડો થયો છે. આનાથી શહેરની મોટી વસ્તીના સ્વાસ્થ્યને લાભ મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા આ અર્બન ફોરેસ્ટ વર્ષ 2019માં બનાવવામાં આવ્યું હતું. આ ફોરેસ્ટમાં 19000 ચોરસ ફૂટની જગ્યામાં 1500થી વધુ સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વાવવામાં આવ્યા છે. વિરલ દેસાઈએ છેલ્લા પાંચ વર્ષમાં સાત અર્બન ફોરેસ્ટ બનાવ્યા છે અને 6,50,000 વૃક્ષો વાવ્યા છે.