સુરત: રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં એલએલબી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સહિત અન્ય યુનિવર્સિટીઓ માટે વિદ્યાર્થીઓએ ૨૧થી ૨૫ જુલાઈ દરમિયાન ઓનલાઇન અરજી કરી શકશે. આ તબક્કો માત્ર નવા રજીસ્ટ્રેશન માટે નહીં, પરંતુ પહેલાના રજીસ્ટ્રેશનમાં સુધારાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે પણ છે.
પ્રવેશ પ્રક્રિયા અન્વયે, જે વિદ્યાર્થીઓ અગાઉ રજીસ્ટ્રેશન રાઉન્ડ-૧ અથવા રાઉન્ડ-૨માં અરજી કરી ચુક્યા છે અને તેઓ કોઇ ભૂલ સુધારવા માગે છે, તેઓ માટે પણ ૨૧થી ૨૫ જુલાઈ સુધીનો સમય મુકવામાં આવ્યો છે. નવેસરથી રજીસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓએ ૨૬ જુલાઈ સુધીમાં નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈને દસ્તાવેજોની ચકાસણી કરાવવી જરૂરી રહેશે.
આ પ્રક્રિયા પછી ૨૯ જુલાઈએ ત્રીજો પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવશે, જેમાં કોલેજો દ્વારા અપાયેલા ઓફર લેટર આધારે પ્રવેશ કન્ફર્મ કરવાની ફરજ રહેશે. જોકે પ્રવેશ ફક્ત તેવા કોલેજોમાં જ મંજૂર કરવામાં આવશે જેને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) દ્વારા ૨૫ જુલાઈ સુધીમાં માન્યતા આપવામાં આવી હશે.
એટલે વિદ્યાર્થીઓએ પસંદ કરેલી કોલેજની માન્યતા BCI દ્વારા પ્રાપ્ત છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી રહેશે. આ સાથે ૩૧ જુલાઈએ ચોથો, ૨ ઓગસ્ટે પાંચમો અને ૫ ઓગસ્ટે છઠ્ઠો રાઉન્ડ પણ જાહેર કરાશે, જેથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશની તકો મળે.