National

દિબ્રૂગઢ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં મોટું અપડેટ, અકસ્માત પહેલા લોકો પાયલટે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો

ગોંડાઃ ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. હવે ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનના અકસ્માતને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. રેલવે દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ટ્રેનના લોકો પાયલટે અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. મળતી માહિતી મુજબ રેલ્વે અધિકારીઓએ ટ્રેનના બંને લોકો પાયલટ સાથે વાત કરી છે. રેલ્વે અધિકારીઓએ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે અકસ્માત પહેલા ટ્રેનના લોકો પાયલટે ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. થોડી જ વારમાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

તપાસ બાદ વાસ્તવિકતા બહાર આવશે
આ કેવો વિસ્ફોટ હતો? ટ્રેક પર કંઈક હતું? શું આમાં કોઈ પ્રકારનું ષડયંત્ર છે? શું આ વિસ્ફોટને કારણે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા? તેની માહિતી તપાસ બાદ બહાર આવશે. હાલ ટ્રેનના બંને લોકો પાયલટ સુરક્ષિત હોવાનું કહેવાય છે.

ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. પ્રારંભિક અહેવાલો અનુસાર આ દુર્ઘટના રેલવે ટ્રેક પર પૂરના પાણીને કારણે થઈ હતી. હવે સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે ટ્રેક પર પાણી હતું તો ટ્રેનને સિંગલ ટ્રેક કેમ આપવામાં આવ્યો. આ દુર્ઘટના પોતે ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે દર વર્ષે ચોમાસાની ઋતુમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ રહે છે. આવી સ્થિતિમાં રેલવે કર્મચારીઓ ટ્રેકનું નિરીક્ષણ કરે છે અને ત્યારપછી જ ટ્રેનને આગળ વધવાના સંકેત આપે છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પાણી જમા થવાના કારણે ટ્રેક ડૂબી ગયો હતો કે અન્ય કોઈ કારણ હતું તો તેની સમયસર તપાસ કેમ ન કરાઈ. જો આવું થયું હોય તો તેને રેલવેની મોટી બેદરકારી કહી શકાય. જો કે હજુ સુધી સત્તાવાર રીતે કારણ આપવામાં આવ્યું નથી.

ટ્રેન ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહી હતી
ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહેલી ડિબ્રુગઢ એક્સપ્રેસના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ગોંડા નજીક ઝિલાહી રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન અકસ્માત થયો હતો. રેલ્વે મુસાફરો માટે મદદ અને અન્ય માહિતી માટે રેલ્વેએ હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોંડામાં થયેલા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમજ અધિકારીઓને રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.

મુસાફરો માટે બસની વ્યવસ્થા કરવામાં આવી
કેન્દ્રીય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે તમામ ઘાયલોને માનકાપુર સીએચસી અને ગોંડા મોકલવામાં આવ્યા છે. અમે બાકીના મુસાફરોને મુખ્ય માર્ગ પર લઈ જવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ અને વહીવટીતંત્ર પણ વ્યવસ્થા કરી રહ્યું છે. તેમના માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તેઓ માનકાપુર રેલવે સ્ટેશન સુધી પહોંચી શકે. ગોરખપુરથી એક વિશેષ રાહત ટ્રેન આવશે અને આ ટ્રેન દ્વારા મુસાફરોને પોતપોતાના સ્થળોએ લઈ જવામાં આવશે.

ઘણી ટ્રેનોના રૂટ બદલાયા
ઉત્તર પૂર્વ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી પંકજ કુમાર સિંહે જણાવ્યું કે ઉત્તર પૂર્વ રેલવેના ગોંડા-ગોરખપુર રેલવે સેક્શન પર મોતીગંજ અને ઝિલાહી રેલવે સ્ટેશન વચ્ચે ગુરુવારે બપોરે ચંદીગઢ-ડિબ્રુગઢ વીકલી એક્સપ્રેસ ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેમણે કહ્યું કે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. દુર્ઘટનાને કારણે કટિહાર-અમૃતસર એક્સપ્રેસ અને ગુવાહાટી-શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસને સંબંધિત રેલ્વે વિભાગ પર ડાયવર્ટ કરવામાં આવી છે અને અન્ય માર્ગે મોકલવામાં આવી છે.

Most Popular

To Top